પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોયસ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ કરવાની માંગ સહિતના વિવિધ મુદ્દાઓ મામલે પાટણ જિલ્લા NSUI અને પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આપવામાં આવેલી ચીમકીના પગલે આજે ધારાસભ્ય સહિત NSUIના સભ્યો યુનિવર્સિટીમાં ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ‘શિક્ષણ કે ધામ મેં, આલ્કોહોલ મેદાન મેં’ના નારા સાથે ઉ.ગુજરાત યુનિવર્સિટીમાં ધરણા પ્રદર્શન કરતાં ડીવાયએપી, પીઆઈ, પીએસઆઇ સહિત મોટીસંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
NSUI કાર્યકર દ્વારા પોલીસને લાફો મારવામાં આવ્યો
ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે યુનિવર્સિટી પહોંચ્યા હતા, જ્યાં ભૂખ હડતાળ પર બેસતાં પોલીસે ગેટ બંધ કરી દીધો હતો. પોલીસે ગેટ બંધ કરી દેતા NSUI કાર્યકર્તાએ પોલીસને લાફો માર્યો હતો અને પોલીસ વચ્ચે ધક્કામૂકીના દૃશ્યો સર્જાયા હતા.
પાટણ HNGUમાં NSUIના કાર્યકર્તાઓની ગુંડાગર્દી
HNGUના સત્તાધીશો સાથે ગેરવર્તન કર્યું. કુલપતિ સહિતના અધિકારીઓ સાથે ધક્કામુકી કરી. પોલીસ સાથે પણ કાર્યકર્તાઓ ઘર્ષણમાં ઉતર્યા. કુલપતિની ચેમ્બરમાં ઘૂસી અપશબ્દો બોલ્યા. એક પોલીસકર્મીને NSUIના કાર્યકર્તાએ લાફો માર્યો. ધારાસભ્યની હાજરીમાં બેફામ બન્યા કાર્યકર્તાઓ. ભૂખ હડતાળના નામે કાર્યકર્તાઓની ગુંડાગર્દી. પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતર્યા NSUIના કાર્યકર્તાઓ.
પોલીસને ફરિયાદ કેમ નથી નોંધાવી: ધારાસભ્ય
ધારાસભ્ય કિરીટ પટેલ વીસીને રજૂઆત કરતાં ઉગ્ર થયા હતા. તેમણે વીસીને કહ્યું હતું કે, તમે ફરિયાદ કેમ નથી નોંધાવતા? એક, બે વાર નહીં ત્રણ ત્રણ વાર દારૂ ઝડપાયો હોવા છતાં તમે કેમ ચુપ છો. તમારી ફરિયાદ પોલીસ ન લે તો તમારે આગળ ગૃહમંત્રીને કે મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડે એ તમે કેમ નથી કરતાં.?
પોલીસ ફરિયાદ ન થતાં કોંગ્રેસ દ્વારા વિરોધ
પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI સંગઠન દ્વારા જણાવ્યુ હતું કે, યુનિવર્સિટીમાં બોયઝ હોસ્ટેલમાં જે દારૂની મહેફિલ કાંડમાં જવાબદાર સામે પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોય તેમજ ભૂતિયા ફાયર સેફ્ટી/ સેનેટરી ઇન્સ્પેક્ટરની એક જ વર્ષે 100થી વધુ કોલેજોને મંજૂરી, વિદ્યાર્થીઓને રોજિંદા કામમાં ધક્કા અને પરેશાની, યુનિવસિર્ટીમાં વધતા ભ્રષ્ટાચાર જેવા વિવિધ મુદ્દાઓને લઈ તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ગંભીર નોંધ લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે કઈ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
પાટણ યુનિવર્સિટીનો સમગ્ર મુદ્દો શું છે?
8 ડિસેમ્બરને રવિવારે રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રોકાયેલા બાસ્કેટ બોલના ખેલાડીઓએ એક રૂમમાં દારૂની મહેફિલ માણી હતી. ખેલાડીઓની દારૂની મહેફિલ દરમિયાન રેક્ટરે અટકાવતાં દાદાગીરી કરી તેમને રૂમમાં પૂરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમને અટકાવવા જતાં રેક્ટર ઉપર મર્સિડીઝ બેન્ઝ કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય કર્મચારી દ્વારા ગેટ બંધ કરી દેતાં ગાડી ઊભી રાખતાં આણંદના ત્રણ ખેલાડીને પકડી પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર આવી ત્રણેયને પોલીસ મથકે લવાયા હતા.
ધારાસભ્યએ અગાઉ ચીમકી આપી હતી
આ ઘટના બની એ દિવસે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યુ હતુ કે, દારૂની મહેફિલ માણતા પકડાયા બાદ પણ યુનિવર્સિટી કે પોલીસ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આ મામલે કુલપતિ અને પીઆઇને ફોન કર્યો હતો પણ ઉપાડતા નથી. ગૃહ રાજ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને હું કહેવા માગું છું કે, નવરાત્રિ બંધ કરાવવા જે ઉતાવળા બન્યા હતા. પોલીસ અને SP ઉપર દબાણ કર્યું હતું. ત્યારે વારંવાર યુનિવર્સિટી બદનામ થઈ રહી હોય હવે તમારે જાગવું જોઈએ. જો આવા ઈસમો સામે ફરિયાદ નોંધવવામાં નહી આવે તો વિદ્યાર્થીઓ સાથે મળી યુનિવર્સિટીમાં ભૂખ હડતાળ કરીશું. જોકે, આજ દિવસ સુધી પોલીસ ફરિયાદ ન નોંધાતા આજે પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ અને પાટણ જિલ્લા NSUIના સભ્યો ભૂખ હડતાળ પર ઉતર્યા છે.
Source link