ગુજરાતમાં નકલીનો ખેલ પૂરો થવાનું નામ લેતું નથી. નકલી જજ, નકલી વકીલ , નકલી DySP, નકલી ડોક્ટર, નકલી PMO, નકલી ઘી, નકલી શાકભાજી બધું જ નકલી તો અસલી શું? વિશ્વાસ કરવો તો કરવો કોના પર? તાજેતરમાં પાટણમાંથી પણ એક બોગસ તબીબ ઝડપાયો હતો. જેણે નાના બાળકને અનાથ કહી દત્તક આપી કેટલાક પૈસામાં એક દંપતીને વેચી નાખ્યું હતું. હવે તે મોટા બાળતસ્કરી કાંડમાં પણ સંડોવાયેલો હોઈ શકે છે. ત્યારે સુરતથી ફરી એક બોગસ તબીબ હાથ લાગ્યો છે. જે નજાણે કેટલા ખોટા કામમાં સંડોવાયેલો હશે.પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
સુરતમાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો
સુરતમાં બોગસ ડોક્ટર બનાવવાનાં કૌભાંડ મામલે તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. દિવસે ને દિવસે બોગસ ડોક્ટર અંગે મળતા નવા સમાચાર હવે વધુ ચોંકાવતા નથી. ત્યારે SOG એ માનવ જીવન સાથે ચેડા કરતા અજિત અખિલેશ મહેતા નામના ઝોલા છાપ ડોકટરને ઝડપી પાડ્યો હતો. ગુજરાતનાં ખૂણે ખૂણે બોગસ ડોકટરોનો રાફડો ફાટી નીકળ્યો છે.ત્યારે સુરતના કામરેજ વિસ્તારના પરબ ગામથી અજીત મહેતા નામના બોગસ ડોક્ટરને SOG પોલીસે ઝડપી પાડયો છે.
ઓમ ઇન્ડસ્ટ્રીઝના વિભાગ-8માં ચલાવતો ક્લિનિક
સુરત SOGની પકડમાં આવેલ ઝોલાં છાપ ડોક્ટર પોતાનું ક્લિનિક ખોલી લોકોને દવાઓ આપી સારવાર કરતો હતો. ત્યારે એવી સંભાવના છે કે તેણે નકલી ડિગ્રી ખરીદીને ક્લિનિક ખોલ્યું હોય. પ્રાપ્ત માહિતી અનુસાર આ બોગસ ડોક્ટર છેલ્લા એક વર્ષથી પરબ ગામની ઓમ ઇન્ડસ્ટ્રીઝના વિભાગ 8માં મહાવીર નામે ક્લિનિક ચલાવતો હતો.ત્યારે સ્વાભાવિક છે કે પાછલા એક વર્ષમાં તેણે આસપાસના વિસ્તારના દર્દીઓનું સાચું કે ખોટું નિદાન પણ કર્યું હોય. માનવ જીવન સાથે ચેડા કરતા આ નકલી ડોક્ટરને પોલીસે ઝડપી લીધો છે. SOG એ ક્લિનિકમાં દરોડા પડી મેડિકલના સાધનો અને ૧૮ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. નકલી ડિગ્રી સાથે પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ક્યાંથી લાવ્યો નકલી ડિગ્રી તે અંગે પોલીસે વધુ કાર્યવાહી તેજ કરી છે.
બોગસ ડોક્ટર બોગસ ડિગ્રી
તાજેતરમાં જ સુરતમાં બોગસ ડોક્ટર બનાવવાનું કૌભાંડ આવ્યું સામે હતું. જેમાં સુરતના વિવિધ ૩૦ જેટલા વિસ્તારમાં કુલ ૬૯૦ ડિગ્રી વેચાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પાંડેસરામાં સૌથી વધુ ૧૩૮ બોગસ ડોક્ટરો રશેષ ગુજરાતી પાસેથી ખરીદેલી નકલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે રશેષ ગુજરાતીએ રાઇસ મિલનાં કામદાર અને ગેરેજવાળાને પણ નકલી ડિગ્રી વેચી હતી. જોકે મોડી જાગેલી સરકારે નિયમ કર્યો છે કે રાજ્યના તમામ ડૉક્ટર્સને ઓનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી કરી દેવામાં આવ્યું છે. ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં તમામ ડૉક્ટર્સે રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. જે ડોક્ટર્સે રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમને ૫ લાખ દંડ કરવામાં આવશે.
Source link