મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિધ્ધાચલની પવિત્ર ભૂમિ પાલીતાણામાં આદિ વીર છ’રી પાલિત સંઘ કાર્યક્રમ- ધર્મસભા યોજાઈ હતી. પાલીતાણાના જૈન ઉપાશ્રય નીલમવિહાર (કસ્તુરબાધામ)માં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આચાર્ય ભગવંત વિજયરત્નચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા આચાર્ય ભગવંતશ્રી ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબનું ગુરુપૂજન કર્યું હતું.
જૈન શ્રેષ્ઠિઓ દ્વારા મુખ્યમંત્રીનું બહુમાન કરવામાં આવ્યું
આ પ્રસંગે આચાર્ય ભગવંતશ્રી અને જૈન શ્રેષ્ઠિઓ દ્વારા મુખ્યમંત્રીનું બહુમાન કરીને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સાંભળ્યા પછી પ્રથમ વખત શેત્રુંજ્ય તીર્થ ક્ષેત્રમાં આવવાનું સૌભાગ્ય પોતાને મળ્યું છે. તેમણે કહ્યું કે, જૈન ધર્મનો અર્થ એટલે વિજેતાનો માર્ગ છે, જૈન સમાજમાંથી ક્ષમાનો ગુણધર્મ શીખવા જેવો છે. તેમણે ઉમેર્યું કે, ક્ષમા માગે તે વીર અને ક્ષમા આપે તે મહાવીર કહેવાય છે.
ભગવાન મહાવીરે પાણીને ઘીની જેમ વાપરવાની સલાહ આપી હતી
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ભગવાન મહાવીરે વર્ષો પહેલાં પર્યાવરણની જાળવણીની વાત કરી હતી. તેમણે પાણીને ઘીની જેમ વાપરવાની સલાહ આપી હતી. આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “કેચ ધ રેઈન” સંકલ્પ આપીને વરસાદના ટીપે-ટીપા પાણીને જમીનમાં કેવી રીતે સંગ્રહ કરી શકાય તે અંગેનો ખ્યાલ વ્યક્ત કર્યો છે. પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અભ્યર્થના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
ગુજરાત સંતો અને મહંતોની પવિત્ર ભૂમિ
આ પ્રસંગે આચાર્ય ભગવં વિજયરત્નચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, આપણું ગુજરાત સંતો અને મહંતોની પવિત્ર ભૂમિ છે. જેથી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ખૂબ જ સમૃદ્ધ છે. આ ઉપરાંત આચાર્ય ભગવંત ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂજ્ય આચાર્ય ભગવંત સાથે વિચારગોષ્ઠિ, ધર્મસભા સહિતના કાર્યક્રમોમાં જોડાયા હતા.
Source link