બુધવારે મુંબઈ નજીક નીલકમલ ફેરી ડૂબી જતાં 13 મુસાફરોના મોત થયા હતા, લગભગ 66 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ ફેરી મુસાફરોને એલિફન્ટા ટાપુ તરફ લઈ જઈ રહી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ફેરીમાં લગભગ 80 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
આ ઘટના સાંજે 5.15 કલાકે બની હતી. સરકાર મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નૌકાદળ બોટ દુર્ઘટનાની તપાસ કરશે.
મુસાફરોને લાઈફ જેકેટ આપીને બચાવવામાં આવ્યા
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સાંજે નીલકમલ ફેરી સાથે એક નાની બોટ અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. દુર્ઘટના બાદ નેવી, કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ અને સ્થાનિક માછીમારોએ સંયુક્ત રીતે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. મુસાફરોને લાઈફ જેકેટ આપીને બચાવી લેવામાં આવ્યા હતા.
આ બચાવ કામગીરીમાં નેવીની 11 બોટ, મરીન પોલીસની 3 બોટ અને કોસ્ટ ગાર્ડની એક બોટ તેમજ ચાર હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય પોલીસ અને જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ પણ બચાવ કાર્યમાં લાગેલા છે.
ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે ઓપરેશન ચાલુ
ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે ઓપરેશન ચાલુ છે. એલિફન્ટા ટાપુ મુંબઈ નજીક સમુદ્રમાં એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા આવે છે. હાલ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. પ્રશાસને દરિયાઈ મુસાફરી દરમિયાન દરેકને સાવચેત રહેવાની અપીલ કરી છે.
નીલકમલ ફેરી સાથે બોટ અથડાતાં અકસ્માત સર્જાયો
આ અકસ્માત પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું નેવી, કોસ્ટ ગાર્ડ, પોર્ટ અને પોલીસની બોટ તાત્કાલિક મદદ માટે મોકલવામાં આવી છે. અમે જિલ્લા અને પોલીસ પ્રશાસનના સતત સંપર્કમાં છીએ, સદનસીબે મોટાભાગના નાગરિકોનો આબાદ બચાવ થયો છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્રને તે તમામ સિસ્ટમને બચાવ કાર્ય માટે તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.