ગોરના કૂવા પાસે ચાર મહિના અગાઉ એક પછી એક પાંચ જેટલા ભૂવા પડયા હતા. જેના સમારકામ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ પછી રોડ બનાવવામાં પણ ઘણો સમય લેવામાં આવ્યો છતાં પણ હજી રોડના કોઈ જ ઠેકાણાં પડી રહ્યા નથી. લાખો રૂપિયાના ખર્ચ કરીને વારંવાર રિપરિંગની કામગીરી કરવામાં આવી છે તેમ છતાં સ્થિતિ જેમની તેમ રહેલી છે.
આ વચ્ચે ગત રોજ મોડી રાત્રે ડામરનો લઈને જતાં ડમ્પર ખાડામાં પછડાતા પાછળના બંને ટાયરો ફાટી ગયા હતા. જેના કારણે રોડની ગુણવત્તા અને તેના માટે થયેલી કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. તેમજ રોડ પર યોગ્ય પ્રમાણમાં પુરાણ ન કરવામાં આવતાં રોડ બેસી જવાનો પણ સ્થાનિકોને ભય રહેલો છે.ગોરના કુવા નજીક રાજ ચેમ્બરની સામે 25 ઓગસ્ટથી લઈ અત્યાર સુધીમાં પાંચ જેટલા ભૂવા પડયા છે. જેના માટે છેલ્લા ઘણાં સમયથી સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ વચ્ચે એક મહિના પહેલા વધુ એક ભૂવો પડયો હતો. એટલું જ નહીં છેલ્લા પાંચ મહિનાથી રોડના રિપેરિંગની કામગીરી ચાલી રહી છે પરંતુ તેમ છતાં કોઈ જ ભલીવાર નથી. આ દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં વારંવાર રોડ બેસી જવાની અને નવી નવી જગ્યાઓ પર ભૂવા પડવાનો સીલસીલો યથાવત રહેલો છે. આ માટે ગુણવત્તા વગરના કામો અને પૂરતા પ્રમાણમાં વોટરિંગ ન કરવામાં આવતાં ફરી રોડ બેસી ખાડો પડયો છે. આ વખતે ખાડામાં અન્ય કોઈ વાહન નહીં પરંતુ ડામર લઈને જતાં ડમ્પર જ ભોગ બન્યું છે. જેમાં ડમ્પરના પાછળના બંને ટાયરો ફાટી જતાં પલ્ટી ખાતા માંડ માંડ રહી ગયું હતું.
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, રોડના રિપેરિંગ માટે વારંવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ એક પછી એક નવા વાયદા કરવામાં આવે છે પરંતુ રોડ બનાવવામાં આવી રહ્યો નથી. હાલમાં શિયાળાની શરૂઆત છે અને પુષ્કળ પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ત્યારે અહીં કપચી અને મેટલ નાખી દેવામાં આવી છે. જેના પર પાણી નાખીને પુરાણ કરવામાં આવ્યું નથી. આ કારણે રોડ પર અવરનવર નવી નવી જગ્યાઓ પર ખાડા પડી રહ્યા છે.
Source link