GUJARAT

Surendranagar: જનશાળી પાસે સર્વિસ રોડ અને ડિવાઈડરના અભાવે હાલાકી

લીંબડી નેશનલ હાઈવે સિકસ લેન બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. ત્યારે નેશનલ હાઈવેથી ગામડાઓ તરફ જતા રસ્તે સર્વિસ રોડ ન બનાવવાથી ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. જેમાં જનશાળી ગામ પાસે સર્વિસ રોડ કે ડીવાઈડર ન હોવાથી જનશાળી ઉપરાંત બળોલ અને હડાળાના ગ્રામજનોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ગ્રામજનોએ આ અંગે સ્થાનીક ધારાસભ્ય અને ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા અંતે રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અમદાવાદથી રાજકોટ તરફ જતો નેશનલ હાઈવે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે. આ નેશનલ હાઈવે હાલ સીકસ લેન બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. જેમાં ગામડાઓને જોડતા રસ્તે કોઈ સર્વિસ રોડ કે ડિવાઈડર ન બનાવતા હાલાકી પડી રહી છે. આવી જ સ્થિતિ હાલ લીંબડી હાઈવે પર આવેલા જનશાળી ગામની છે. લીંબડી હાઈવેથી જનશાળી ઉપરાંત આગળના બળોલ અને હડાળા ગામ તરફ જવાનો રસ્તો છે. આ રસ્તો સીધો જ નેશનલ હાઈવેને ટચ થાય છે. ત્યારે આ રસ્તે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા કોઈ સર્વીસ રોડ કે ડીવાઈડર ન બનાવતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ ત્રણેય ગામના અંદાજે 20 હજારથી વધુ લોકો નિયમિત આ રસ્તેથી પસાર થાય છે. અનેકવાર આ રસ્તે નાના મોટા અકસ્માતો પણ થયા છે. આ અંગે જનશાળીના સરપંચ નીતેશભાઈ એલ. જાદવના જણાવાયા મુજબ હાઈવે સાથે અમારા ગામના જોડતા રસ્તે કોઈ સર્વીસ રોડ ન બનાવવાથી ભારે પરેશાની રહે છે અને ગ્રામજનોને અકસ્માતનો ભય રહે છે. આ અંગે સ્થાનીક ધારાસભ્ય અને ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યુ નથી. જો આગામી દિવસોમાં તંત્ર કોઈ કાર્યવાહી નહી કરે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

હાઈવે પર બસ સ્ટેશન પણ નથી બનાવાયું

ગ્રામજનોએ રોષ સાથે રજૂઆત કરતા જણાવ્યુ કે, જનશાળીથી લીંબડી હાઈવેને જોડતા સ્થળે કોઈ બસ સ્ટેશન પણ નથી બનાવાયુ. આથી જનશાળી ઉપરાંત બળોલ અને હડાળાના ગ્રામજનોને હાઈવે પર વાહનોની રાહ જોવા રસ્તા પર ઉભુ રહેવુ પડે છે. જેના લીધે પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

ડિવાઈડર ન હોવાથી રોંગ સાઈડમાં વાહનો આવે છે

આ અંગે જનશાળી ગામના વિપુલભાઈ બારૈયાએ જણાવ્યુ કે, હાઈવે ઓથોરીટીવાળાએ કોઈ સર્વીસ રોડ કે ડીવાઈડર ન બનાવતા આ ત્રણેય ગામો તરફ આવતા વાહનોને લાંબો ફેરો ન ફરવો પડે તે માટે વાહન ચાલકો રોંગ સાઈડમાં ચાલે છે. જેના લીધે પણ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યુ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button