જોરાવરનગર પોલીસ મથકના જીઆરડી કર્મીને રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ચમારજ ગામેથી એક દિવ્યાંગ બાળક મળી આવ્યો હતો. તે દોઢ માસ પૂર્વે મધ્યપ્રદેશથી તેના ઘરેથી ચાલ્યો ગયો હોવાનું સામે આવતા પરિવારજનોને જાણ કરાઈ હતી.
પરંતુ પરિવારજનો પાસે ભાડાના પૈસા ન હોવાથી પોલીસે પૈસા ગુગલ પે કરી પરિવારજનોને બોલાવી બાળકને સોંપ્યો હતો.જોરાવરનગર પોલીસ મથકના જીઆરડી જવાન રામસ્વરૂપ દુધરેજીયા ગત તા. 17મીએ રાત્રે ચમારજ ગામે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે એક દિવ્યાંગ બાળક તેઓને મળ્યો હતો. આ અંગે પોલીસ મથકે જાણ કરતા પીએસઆઈ ડી. ડી. ચુડાસમાની સુચનાથી અમીતભાઈ, યુવરાજસીંહ સહિતનાઓ પીસીઆર વાન સાથે દોડી ગયા હતા. અને બાળકને પોલીસ મથકે લઈ આવ્યા હતા. પરંતુ તે બોલી શકતો ન હતો. જયારે તેના હાથ પર તેનું નામ અને વતન લખ્યુ હોવાથી પોલીસે એમપી તપાસ કરી હતી. જેમાં તે દેવાસનો હોવાનું તથા દોઢ માસ પહેલા ઘરેથી ચાલ્યો ગયો હોવાનું સામે આવ્યુ હતુ. આથી પોલીસે પરિવારજનોને બાળકને લેવા આવવાનુ કહેતા પરિવારજનો પાસે ભાડાના પૈસા પણ ન હતા. જેના લીધે બીટ જમાદાર કે. બી. ખેરે ખરાઈ કરીને ભાડાના પૈસા ગુગલ પે કર્યા હતા. બાદમાં ગત તા. 19મીના રોજ ગુરૂવારે સાંજે પરિવારજનોએ જોરાવરનગર પોલીસ મથકે આવી બાળકનો કબજો લીધો હતો. જોરાવરનગર પોલીસની કામગીરીથી પોલીસ ખરેખર પ્રજાનો મિત્ર છે. તે સુત્ર સાર્થક થયુ છે.
Source link