![check return case: ચેક રિટર્નના બે જુદા-જુદા કેસમાં આરોપીને સજા check return case: ચેક રિટર્નના બે જુદા-જુદા કેસમાં આરોપીને સજા](https://i3.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2024/12/21/opLShENLFgBcmWxXe6DT0RawvCq5PNHmly2Q645J.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા શહેર અને ગ્રામ્યના જુના જશાપર ગામના શખ્સોએ લોન લીધા બાદ હપ્તા નીયમીત ભરપાઈ ન કરતા રકમ ચડત થઈ જતા અને કંપનીએ ઉઘરાણી કરતા ચેક આપ્યા હતા. આ ચેક રીટર્ન થતા સુરેન્દ્રનગર ચીફ કોર્ટમાં કેસ કરાયા હતા.જેમાં કોર્ટે બન્ને કેસના આરોપીઓને કસુરવાર ઠેરવી સજા અને ચેકની રકમ દંડ તરીકે ફરિયાદી કંપનીને ચૂકવવા હુકમ કર્યો છે.
કેસ-1 : સાયલાના જુના જશાપરના મફાભાઈ રત્નાભાઈ જોગરાણાએ સુરેન્દ્રનગર બસ સ્ટેશન રોડ પર આવેલ શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપનીમાંથી પોતાના વ્હીકલ ઉપર તા. 14-3-2016ના રોજ લોન લીધી હતી. જેમાં લોનના હપ્તાની નિયમિત ચૂકવણી ન કરાતા કંપની તરફથી ચડત રકમની વારંવાર ઉઘરાણી કરાતી હતી. જેમાં 7-1-2019ના રોજ ચડત રકમ પેટે રૂ.7,65,000 અને તા. 24-1-19ના રોજ રૂ.3,64,517નો મફાભાઈએ ચેક આપ્યો હતો. આ ચેક કંપનીએ બેંકમાં ભરતા પરત ફર્યો હતો. આથી કંપનીના કર્મી નયન ખોખરાએ તા. 20-03-2019ના રોજ સુરેન્દ્રનગરની કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ તાજેતરમાં ચાલી ગયો હતો. જેમાં કંપનીના વકીલ ડી.પી.પાઠકની દલીલો અને 14 પુરાવાને ધ્યાને લઈ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ અને એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ડી.આર.વ્યાસે આરોપી મફાભાઈ જોગરાણાને કસુરવાર ઠેરવ્યો હતો. અને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારાઈ છે. આ ઉપરાંત ચેકની રકમ રૂપિયા 11,29,517 કંપનીને વળતર તરીકે ચૂકવવા હુકમ કરાયો છે. જો તેઓ આ રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો પણ હુકમ કરાયો છે.
કેસ-ર : સાયલાના પાનવાડી બહાર પરા વિસ્તારમાં રહેતા સંજય ભરતભાઈ વાઘેલાએ શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપનીમાંથી પોતાના વ્હીકલ ઉપર તા. 7-12-2019ના રોજ લોન લીધી હતી. જેમાં લોનના હપ્તાની નિયમિત ચૂકવણી ન કરાતા કંપની તરફથી ચડત રકમની વારંવાર ઉઘરાણી કરાતી હતી. જેમાં 1-4-2022ના રોજ ચડત રકમ પેટે રૂ. 9,50,000નો સંજયભાઈએ ચેક આપ્યો હતો. આ ચેક કંપનીએ બેંકમાં ભરતા પરત ફર્યો હતો. આથી કંપનીના કર્મી કુલદીપસીંહ ઝાલાએ તા. 15-06-2022ના રોજ સુરેન્દ્રનગરની કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ તાજેતરમાં ચાલી ગયો હતો. જેમાં કંપનીના વકીલ પી.એ.ત્રીવેદીની દલીલો અને 11 મૌખીક તથા દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ બીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ બી.આઈ. તારાણીએ આરોપી સંજય વાઘેલાને કસુરવાર ઠેરવ્યો હતો. અને 6 માસની સાદી કેદની સજા ફટકારાઈ છે. આ ઉપરાંત ચેકની રકમ રૂપિયા 9.50 લાખ કંપનીને વળતર તરીકે ચૂકવવા હુકમ કરાયો છે. જો તેઓ આ રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સજાનો પણ હુકમ કરાયો છે.
Source link