પંજાબના મોહાલીમાં શનિવારે સાંજે એક મોટી દુર્ઘટના બની છે. મોહાલીમાં 6 માળની એક ઈમારત ધરાશાયી થઈ છે, ત્યારે આ દુર્ઘટનામાં ઈમારતના કાટમાળની નીચે 10થી વધુ લોકો દબાયા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ હાલમાં ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
ઘરનો કાટમાળ ઝડપથી હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘરની નજીક ભોંયરામાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને એવી આશંકા છે કે આ દરમિયાન ઘરનો પાયો લપસી ગયો અને આ મોટી દુર્ઘટના બની છે. હાલમાં NDRF અને SDRFની ટીમો પણ પહોંચી ગઈ છે અને ઘરનો કાટમાળ ઝડપથી હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ અકસ્માત સમયે ઘરની અંદરનું જીમ ખુલ્લું હતું અને ઘણા લોકો તેમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. હાલમાં આ તમામ લોકો ઈમારતના કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. આ તમામ લોકોને બહાર કાઢવા માટે જેસીબીની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. મોહાલીના ડીસી અને એસપી પોતે પણ સ્થળ પર હાજર છે અને રાહત કાર્ય પર નજર રાખી રહ્યા છે.
10 વર્ષ જૂની છે ઈમારત
મોહાલીના ડીસી આશિકા જૈનના જણાવ્યા મુજબ આ ઈમારત આશરે 10 વર્ષ જૂની હતી. તેમણે કહ્યું કે અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ ઉપરાંત દુર્ઘટના સમયે ઘરમાં કેટલા લોકો હાજર હતા તે હજુ સુધી સ્પષ્ટપણે જાણી શકાયું નથી. જોકે, સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે ઘરની અંદર જીમમાં કેટલાક લોકો હતા. તેમની સંખ્યા 15થી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.