જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડમાંથી શાકભાજીના 138 અને સુભાષ માર્કેટ તથા સટ્ટા બજારમાંથી ફ્રેશ ફુટના 26 સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીની કેટલી યથાર્થતા સામે જ સવાલો ઉઠે છે. કારણકે તરત બગડી શકે તેવી આઈટમોનું પેકીંગ તદ્દન બીન વૈજ્ઞાનિક ઢબનું અને સેમ્પલીંગમાં દિવસો લાગતા હોવાથી વસ્તુ જળવાઈ શકે જ નહીં. જે મુદ્દે વિપક્ષી મહિલા કોર્પોરેટરે સવાલો ઉઠાવી કામગીરી શંકાના દાયરામાં હોવાનું જણાવ્યું હતું.
વિવિધ વેપારીઓ પાસેથી કુલ 138 સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા
જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા તાજેતરમાં જ હાપા માર્કેટીંગ યાર્ડમાં યોજાતી શાક બકાલાની હોલસેલ બજારમાં જઈને મરચા, રીંગણા, વટાણા, લીંબુ, ગાજર સહિતની જુદી- જુદી વસ્તુઓના વિવિધ વેપારીઓ પાસેથી કુલ 138 સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા હતા. આ જ રીતે સુભાષ માર્કેટ અને ગ્રેઈન માર્કેટ પાસેની સટ્ટા બજારમાં આવેલી દુકાનોમાંથી ફ્રુટના 26 નમુના લેવાની કામગીરી કરીને ફુડ સેફ્ટી ઓફિસર નિલેષ જાસોલીયા, દશરથ પરમાર અને સ્ટાફે રાજય સરકારે ફાળવેલી લેબોરેટરીમાં મોકલવાની કામગીરી કરી હતી.
નવી લેબોરેટરી બનાવવા માગ
ત્યારે હવે ફુડ શાખાની કામગીરી કેટલી ખરાબ રીતે થાય છે. તે વિપક્ષી કોર્પોરેટર જેનબબેન ખફીએ જનરલ બોર્ડને જણાવતા કહ્યું હતું કે, તરત બગડી જાય તેવી મીઠાઈ સહિતની ખાદ્ય સામગ્રીના સેમ્પલો યોગ્ય ટેમ્પરેચરમાં દિવસો સુધી યથાવત સ્થિતિમાં રહે તે રીતે પેક કરીને મોકલવામાં આવતા નથી. સેમ્પલો એસ.ટી. બસ દ્વારા પાર્સલ કરવામાં આવે છે, તે હાલના સમયમાં સિસ્ટમ સુધારવી જોઈએ અને જામનગર શહેરમાં નવી લેબોરેટરી બનાવવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.
વર્ષ 2023માં લીધેલા સેમ્પલોના હજુ સુધી નથી આવ્યા પરિણામ!
2023માં મોકલવામાં આવેલા 204 સેમ્પલોમાંથી માત્ર 9 નાપાસ થયા છે. બાકીના 195ના પરિણામ બાકી છે. આ જ રીતે આ 2024ના વર્ષમાં મોકલાયેલા 128માંથી માત્ર બે જ નાપાસ નમુના આવ્યા છે. બાકીના 126ના પરિણામો પેન્ડિંગ છે તો આ કામગીરી કેટલી યથાર્થ ગણાય? તદ્દન વ્યર્થ અને શંકાના દાયરામાં ગણાતી આ કામગીરી તાત્કાલિક સુધારે તે જરુરી છે તો લોકોના સ્વાસ્થ્યની રક્ષા થઈ શકે અને ભેળસેળીયા તત્વો સામે અસરકારક પગલા લઈ શકાય. ફૂડ શાખા દ્વારા વડોદરાની સરકારી લેબોરેટરીમાં ફૂડ સેમ્પલો મોકલવામાં આવે છે, થોડા દિવસ પહેલા બે ખાદ્ય પદાર્થોના નમૂના ફેઈલ (સબ સ્ટાન્ડર્ડ) આવ્યા છે. આ નમૂના ફેબ્રુઆરી અને માર્ચમાં મોકલવામાં આવ્યા હતા. હવે રિપોર્ટ આવ્યા તંત્ર કામગીરી કરવા પ્રક્રિયા કરશે. સેમ્પલોના રિપોર્ટમાં 10 માસનો વિલંબ સમાજમાં ભેળસેળ રોકવામાં શું કામ આવે? જોકે આ બાબતે જામનગર ફૂડ વિભાગના ઓફિસર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે અમારા દ્વારા જે પણ ફૂડના સેમ્પલો લેવામાં આવે છે તે યોગ્ય રીતે અને ફૂડ સેફટી અને તેની જોગવાઈ અનુસાર કામગીરી કરવામાં આવે છે.
જરૂર મુજબના ફૂડ સેફ્ટી અધિકારીઓની જિલ્લામાં નથી થઈ નિમણૂક
મહાનગરપાલિકાની ફુડ શાખામાં અગાઉ 3 ફુડ સેફ્ટી ઓફિસરો હતા. એક નિવૃત થતાં 7 લાખની વસ્તી અને હજારો ખાણીપીણીના ધંધાર્થીઓ, કરિયાણા સહિતની ખાધ પદાર્થો વેચતી દુકાનો, ઓઈલમીલો, તેલના ધંધાર્થીઓ સહિતના સ્થાનો ઉપર બે કર્મચારીઓ દ્વારા ચેકીંગ થાય છે. નિયમ મુજબ દર 50,000ની વસ્તીએ એક ફુડ સેફ્ટી અધિકારી હોવા જોઈએ. તે હિસાબે જામનગરમાં હજુ 12 જગ્યાઓ ખાલી ગણાય.
Source link