અમદાવાદની સરખેજ પોલીસે લુંટ ચલાવતી એક એવી ટોળકીને ઝડપી પાડી છે, જેનાથી સંખ્યાબંધ લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. સાથે જ 21 જેટલા ચોરીના મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે, પકડાયેલ ટોળકી મૂળ રાજસ્થાનની છે, પરંતુ અમદાવાદમાં દિવસે મોલમાં નોકરી કરતી અને રાત્રે લૂંટ ચલાવતી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.
પોલીસને અન્ય 19 મોબાઈલ કબજે કરવામાં સફળતા મળી
સરખેજ પોલીસે ચોક્કસ માહિતીના આધારે મુમદપુરા પાસેથી લૂંટના આરોપસર આ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં હર્ષ શર્મા, પ્રહલાદ વર્મા, સુનિલ મીણા અને આશિષ બુનકર નામની ટોળકીનો સમાવેશ થાય છે. આરોપીઓની ધરપકડ કરતા આરોપીઓએ કબૂલાત કરી છે કે તાજેતરમાં જ સરખેજ વિસ્તારમાંથી હોટલમાં કામ કરતા કુકને તીક્ષ્ણ હથિયારની અણીએ મોબાઈલ ફોન અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી, એટલું જ નહીં આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન પોલીસને અન્ય 19 મોબાઈલ કબજે કરવામાં સફળતા મળી છે. કબજે કરેલા આ મોબાઈલની પણ અલગ અલગ વિસ્તારોમાંથી લૂંટ કરેલી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે તપાસ શરૂ કરતા 7 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાયા
પકડાયેલા ચારે આરોપીઓની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી આ ટોળકી દિવસે નોકરી ધંધો કરતી અને રાત્રે પોતાના મોજ શોખ પૂરા કરવા લૂંટના ગુનાઓને અંજામ આપતી લગભગ 6 માસમાં ટોળકીએ 21થી પણ વધુ મોબાઈલ ચોરી કર્યા છે, ત્યારે પકડાયેલા ટોળકીના સાગરીતો મૂળ રાજસ્થાનના રહેવાસી છે. ઘણા વર્ષોથી મિત્રતા હોવાથી લૂંટના ગુનાને પણ ટોળકી બનાવીને અલગ અલગ ગુનાઓને અંજામ આપતા હતા, પકડાયેલા આરોપીઓ પૈકી હર્ષ શર્મા અને આશિષ બુનકર સામાજિક પ્રસંગોમાં વેઈટર તરીકે કામ કરતા હતા. જ્યારે સુનિલ મીણા દિવસે મોલમાં નોકરી કરતો હતો. મહત્વનું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી હર્ષ શર્મા રાત દરમિયાન પોતાનું બાઈક લઈ રેપીડો ચલાવતો હતો અને લૂંટ કરવા માટે ટાર્ગેટ નક્કી કરતો હતો. હાલ તો ગુજરાતમાં આરોપીઓ વિરુદ્ધ અન્ય કોઈ ગુના છે કે કેમ તે બાબતે પોલીસે તપાસ શરૂ કરતા 7 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાયા છે, ત્યારે રાજસ્થાન પોલીસને પણ જાણ કરાતા વધુ ગુનાઓના ભેદ ઉકેલાય તેવું લાગી રહ્યું છે.
બીજી તરફ ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી આ ટોળકીથી નાગરિકોને પણ સાવધાની પ્રવર્તવી જોઈએ. કારણ કે અજાણ્યા વ્યક્તિ પર કરેલો વિશ્વાસ ક્યારેક લૂંટનો ભોગ બનાવી ના જાય. આ મામલે સરખેજ પોલીસ પણ સર્વિસ પ્રોવાઈડ કરતી રેપીડો સહિતની અન્ય કંપનીને લેટર લખી જાણ કરશે. જેથી સર્વિસ પ્રોવાઈડરો પોતાના એમ્પ્લોયની ભરતી કરે ત્યારે તેમનો ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે અંગે જાણી શકે.
Source link