GUJARAT

Gandhinagarમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચનો આઠમો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો

ગાંધીનગર ખાતે ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચ (IAR યુનિવર્સિટી)ના આઠમા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુનિવર્સિટીની નિપુણતા અને શ્રેષ્ઠતાની પ્રશંસા કરી હતી. યુવા વિદ્યાર્થીને સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે, ડિગ્રી માત્ર કારકિર્દીનું સાધન ન બની રહે, પરંતુ માનવતા અને સમાજના ઉત્કર્ષનું માધ્યમ પણ બને. તેમણે ઉમેર્યું કે જીવનની સૌથી મોટી સિદ્ધિ સારા કર્મો કરવા અને અન્યના દુખને દૂર કરવામાં છે.

સકારાત્મક વિચારસરણી

ભલે આપણા પ્રયત્નો નાનાં હોય, પરંતુ સકારાત્મક વિચારસરણી અને યોગ્ય દિશામાં કરાયેલા પ્રયાસોથી ઈતિહાસ રચી શકાય છે.આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન અને કૌશલ્ય સમાજના કલ્યાણ અને વિકાસ માટે ઉપયોગમાં લેવા અપીલ કરી હતી. ભારતીય સંસ્કૃતિ અને ગુરુ-શિષ્ય પરંપરાના મહાત્મ્યનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, પ્રાચીન ભારતમાં શિક્ષણના કેન્દ્ર ન તો ભવન હતા કે ન તો વર્ગખંડ, પરંતુ ગુરુનું સાનિધ્ય અને તેમનું જ્ઞાન શ્રેષ્ઠતમ ગણાતું.

ગુલામીની માનસિકતાથી મુક્ત થવાનો આગ્રહ

આ પરંપરાએ મહાન ઋષિ-મુનિ અને સમાજ સુધારકો પેદા કર્યા, જેમણે દુનિયાને એકતા, ભાઈચારો, અહિંસા અને સત્યનો સંદેશ આપ્યો છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આજે શિક્ષણનું પ્રભુત્વ હોવા છતાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે. તેમણે જણાવ્યું કે, જ્યારે શિક્ષણનું પ્રચલન આટલું ન હતું ત્યારે અભણ વ્યક્તિ પણ પોતાના માતા-પિતાને આદર આપતા હતા, પરંતુ આજે મોટા ડિગ્રીધારકો પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. આ આપણી સંસ્કૃતિ અને પરંપરાથી વિમુખતાનું પરિણામ છે.તેમણે ભારતના ભવ્ય વારસા, સંસ્કૃતિ અને પરંપરાઓની સરાહના કરતાં યુવાનોને સ્વાભિમાન જાળવવા અને ગુલામીની માનસિકતાથી મુક્ત થવાનો આગ્રહ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, ભારતે હંમેશા ભૌતિક અને આધ્યાત્મિક શિક્ષણ વચ્ચે સમન્વય સાધ્યો છે, જે આજે પણ વિશ્વ માટે પ્રેરણારૂપ છે.

રાષ્ટ્રીય ઉન્નતિ માટે સમર્પિત કર્યું

IAR યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રશાસનને સંબોધતાં તેમણે યુનિવર્સિટીની સિદ્ધિઓ અને તેના સંશોધન કાર્યોની ગુણવત્તાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, આ સંસ્થાન અત્યંત પ્રભાવશાળી છે, કારણ કે તેનો પાયો વર્તમાન ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજીએ નાખ્યો છે અને તેનું ઉદ્ઘાટન ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એપીજે અબદુલ કલામે કર્યું છે. આ બંને મહાન વ્યક્તિઓએ પોતાનું જીવન ભારતના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રીય ઉન્નતિ માટે સમર્પિત કર્યું છે.

નવીનતામાં પ્રોત્સાહન આપવામાં સંસ્થા આગવું સ્થાન

તેમણે જણાવ્યું કે IAR યુનિવર્સિટીએ પોતાના સંશોધન કાર્યોની શ્રેષ્ઠતાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સંસ્થા જૉન હૉપકિન્સ યુનિવર્સિટી, મેસાચ્યુસેટ્સ યુનિવર્સિટી, લાવલ યુનિવર્સિટી, વુર્જબર્ગ યુનિવર્સિટી, અને લુસીયાના સ્ટેટ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયેલી છે.વિશ્વવિદ્યાલયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, ફોરેન્સિક સાયન્સ, સાયબર સિક્યુરિટી, અને સોશિયલ સાયન્સ જેવા નવા અભ્યાસક્રમો શરૂ કરીને સમયની માંગને અનુરૂપ થવા પ્રયત્ન કર્યો છે. સ્ટાર્ટઅપ્સ, ઉદ્યમશીલતા અને નવીનતામાં પ્રોત્સાહન આપવામાં સંસ્થા આગવું સ્થાન ધરાવે છે.

યુનિવર્સિટીએ સંશોધન ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ

રાજ્યપાલે કહ્યું કે, યોગ્ય દિશામાં કરાયેલા શોધ અને સંશોધન જીવનને ન માત્ર સરળ બનાવે છે, પણ સમાજ માટે સુખદાયી અને સુવિધાસભર છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી માનવતાના કલ્યાણ માટે આશીર્વાદ છે, જ્યારે તેનો દુરુપયોગ વિનાશકારી સાબિત થાય છે. તેમણે વિદ્યાર્થીઓને ધૈર્ય, શિષ્ટતા અને ગંભીરતા તરફ આકર્ષિત કરી અને તેઓને પોતાના જીવનમાં સત્ય, ધર્મ અને માનવતાના મૂલ્યો અપનાવવા પ્રેરણા આપી.કુલપતિ બ્રિગેડિયર પી.સી. વ્યાસે યુનિવર્સિટીએ સંશોધન ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની જાણકારી આપી હતી. આ અવસરે કુલસચિવ ડૉ. મનીષ પરમાર, ડીન (શૈક્ષણિક) ડૉ. નરેન્દ્ર કુમાર, ડીન (સંશોધન) ડૉ. આનંદ તિવારી, શૈક્ષણિક પરિષદના સભ્યો, પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button