અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને 22 જાન્યુઆરીએ એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે આ અવસરે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં 3 દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને હાલમાં તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આ 3 દિવસ શું કાર્યક્રમ હશે તે વિશે જાણીએ.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ અને વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયે જણાવ્યું હતું કે રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 11 થી 13 જાન્યુઆરી સુધી ત્રણ દિવસ મંદિરમાં ધાર્મિક વિધિઓ ચાલુ રહેશે. યજ્ઞ મંડપ બનાવવામાં આવશે. યજ્ઞ મંડપમાં સામાન્ય જનતાના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. યજ્ઞમંડપમાં 18 કલાક સુધી અનુષ્ઠાન ચાલુ રહેશે.
શું હશે કાર્યક્રમ?
ચંપત રાયના જણાવ્યા અનુસાર લોકોની સુવિધા માટે પેસેન્જર કન્વીનિયન્સ સેન્ટર બનાવવામાં આવશે. અહીંથી ભક્તો મંદિર અને કાર્યક્રમ સંબંધિત તમામ માહિતી મેળવી શકશે. મંદિરમાં હનુમાન ચાલીસા, રામ રક્ષા સૂત્ર, આદિત્ય હૃદય સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ થશે. આ અનુષ્ઠાન 21 બ્રાહ્મણો દ્વારા ત્રણ દિવસ સુધી કરવામાં આવશે. મંદિરમાં બપોરે 3 થી 5 દરમિયાન ત્રણ દિવસ ભગવાનને રાગ સેવા અર્પણ કરવામાં આવશે. જેમાં દેશના જાણીતા ગાયક કલાકારો ભાગ લેશે. ત્યારબાદ અભિનંદન ગીત પણ હશે.
ભક્તો માટે શું વ્યવસ્થા હશે?
- ભક્તો માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવશે.
- પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
- ત્રણ દિવસ અને રાત સુધી સંગીત સાથે માનસનું પઠન થશે.
- રામના જીવન પર પ્રવચન પણ થશે.
- અંગદ ટીલા ખાતે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
- ઉપરાંત ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવશે
મંદિરનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે?
ચંપત રાયે કહ્યું કે એવી આશા છે કે મંદિરનું નિર્માણ કાર્ય 2025ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. પહેલા માળે રામનો દરબાર હશે. મંદિરની ફરતે દિવાલ બનાવવામાં આવશે. દક્ષિણ ખૂણા પર ભગવાન સૂર્યનું મંદિર બનાવવામાં આવશે. ભગવાન લક્ષ્મણનું મંદિર પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત મુનિ વશિષ્ઠ, અગસ્ત્ય મુનિ, વિશ્વામિત્ર, તુલસી દાસ, નિષાદ રાજ, માતા શબરી અને દેવી અહિલ્યાના મંદિરો નિર્માણાધીન છે. તેમનું કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
મંદિરની અંદર અઢી હજાર કામદારો કામ કરી રહ્યા છે. હાલમાં સંકુલમાં 4 ગેટ બનાવવામાં આવશે. ઓડિટોરિયમ અને રેસ્ટ હાઉસ બનાવવામાં આવશે. ટ્રસ્ટની ઓફિસ પણ બનાવવામાં આવશે. રામ કથા મ્યુઝિયમના પુનઃનિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. રામલલાનો અભિષેક 11 જાન્યુઆરીએ બપોરે 12.20 કલાકે થશે અને આરતી થશે. 22 જાન્યુઆરીથી અત્યાર સુધી દરરોજ સરેરાશ 80 હજાર લોકો રામ લાલાના દર્શન કર્યા છે.