GUJARAT

Morbiમા લુંટેરી દુલ્હન યુવાનને એક લાખનો ચૂનો ચોપડી થઈ ફરાર, વાંચો Story

લગ્ન કરનાર યુવાન સાથે લગ્નના નાટક કરી રૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય બની છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના ચરડવા ગામે બન્યો છે જેમાં ગામના યુવાનના બહેનના જેઠના પુત્ર મારફતે ઓળખાણ થયા બાદ રાજકોટની માસી અને લુંટેરી દુલ્હને યુવાન પાસેથી રૂપિયા એક લાખ લઈ લગ્ન કર્યા બાદમાં એક જ દિવસમાં લુંટેરી દુલ્હન રફુચક્કર થઈ જતા ઘટના અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

યુવકે રાજકોટ જઈને કર્યા હતા લગ્ન

લુંટેરી દુલ્હન અંગે ટંકારા પોલીસ મથકમાં ભોગ બનનાર મુકેશભાઈ ડાયાભાઇ સોલંકી ઉ.40 રહે. ચરડવા, તળાવ પાસે નામના યુવાને ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ કુંવારા હોય એકાદ માસ પૂર્વે તેમના બહેનના જેઠના પુત્ર મુકેશભાઈ જીવાભાઈ ચાવડા રહે. પીપળા, તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાએ મુકેશભાઈના માતાને કહ્યું હતું કે, રાજકોટ ખાતે તુલસી નામની છોકરી છે જેના માતા-પિતા નથી અને હાલમાં આ તુલસી તેમના માસી જોસનાબેન સાથે ઘંટેશ્વર પચ્ચીસ વારિયા કવાટર્સમાં રહે છે. આ તુલસી સાથે લગ્ન કરવા હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે. જેથી ભોગ બનનાર મુકેશભાઈ, તેમના માતા અને ભાઈ સાથે રાજકોટ આવી તુલસી સાથે ચાંદલો કર્યો હતો.

લગ્નબાદ એક લાખ રૂપિયાનો કર્યો વ્યવહાર

બાદમાં ફરિયાદી મુકેશભાઈને આરોપી મુકેશ જીવાભાઈ ચાવડાએ તાત્કાલિક લગ્ન કરી લેવાનું કહેતા મુકેશભાઈ અને પરિવારજનોએ કુટુંબને જાણ કર્યા બાદ લગ્ન કરવાનું કહેતા આરોપી મુકેશભાઈ, જોસનાબેન અને તુલસીએ તાત્કાલિક લગ્ન કરવાનું કહેતા મુકેશભાઈ અને તેમના કુટુંબીજનો રાજકોટ આવવા નીકળતા આરોપીઓએ ટંકારા તાલુકાના જીવાપર ગામે મેલડી માતાજીના મંદિરે આવવા કહેતા મંદિરે હારતોરા કરી લગ્ન કરી એક લાખનો વ્યવહાર કર્યો હતો.

યુવકને સોશિયલ મીડિયામાં બ્લોક કરવામાં આવ્યો

વધુમાં લગ્ન કર્યા બાદ આરોપી મુકેશ અને જોશનામાસી સીએનજી રીક્ષામાં જતા રહ્યા હતા અને બાદમાં તુલસી મુકેશભાઈ સાથે ચરાડવા સાસરે ગઈ હતી જ્યાં એક દિવસ રહ્યા બાદ તા.30 નવેમ્બરે તુલસીએ મુકેશભાઈને કહયું હતું કે, મારા માસી જોસનાબેન અને મુકેશભાઈ મોરબી દવાખાને આવ્યા છે જેથી મને મોરબી મૂકી જાવ અને પછી કાલે રાજકોટ આવી મને તેડી જાજો એટલે મારે પગ પાછો વાળવાની વિધિ પુરી થઈ જાય. જો કે, મુકેશભાઈને કયા ખબર હતી કે આ લૂંટરી દુલ્હન છે અને ઘેરથી ગયા બાદ પરત નહિ આવે.

યુવતીએ અન્ય લોકોને પણ ભોગ બનાવ્યા

બીજી તરફ મોરબી જુના બસસ્ટેન્ડ ખાતે બસમાં બેસાડયા બાદ દુલ્હન તુલસીએ મુકેશભાઈને બ્લોક કરી નાખ્યા હતા અને માસી જોશનાબેને પણ હવે તમે જાણોને તુલસી જાણે કહી હાથ ખંખેરી નાખતા અંતે મુકેશભાઈ સોલંકીએ ટંકારા પોલીસ મથકમાં બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તુલસી સહિત ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.જોકે લૂંટરી દુલ્હન તુલસીએ પૈસા માટે અગાઉ ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અન્ય એક યુવાન સાથે પણ આવી જ રીતે લગ્ન કરી નાણાં પડાવ્યા હોવાનું મુકેશભાઈએ જણાવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button