મેલબોર્નમાં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 184 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયા હવે સિરીઝમાં 2-1થી પાછળ છે. આ સિવાય WTC ફાઈનલના પોઈન્ટ ટેબલમાં પણ ભારતને ઝટકો લાગ્યો છે. હાર બાદ કેપ્ટન રોહિત શર્મા પણ ઘણો નિરાશ જોવા મળ્યો હતો. મેલબોર્નમાં હાર બાદ રોહિત શર્માનું મોટું નિવેદન સામે આવ્યું છે.
હાર બાદ રોહિતે શું કહ્યું?
ચોથી ટેસ્ટમાં હાર બાદ રોહિતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે “આજે હું જ્યાં ઉભો હતો ત્યાં જ ઉભો છું, એક કેપ્ટન અને બેટ્સમેન તરીકે કેટલાક પરિણામો અમારા પ્રમાણે નથી આવ્યા, તે નિરાશાજનક છે. “માનસિક રીતે આ નિરાશાજનક છે પરંતુ અત્યારે, એવી કેટલીક બાબતો છે જે મારે એક ટીમ તરીકે જોવાની જરૂર છે.”
જસપ્રીત બુમરાહને મળ્યો ન હતો સપોર્ટ
બોર્ડર ગાવસ્કર ટ્રોફી શરૂ થઈ ત્યારથી જસપ્રીત બુમરાહ સિવાય અન્ય કોઈ ભારતીય બોલર કંઈ ખાસ કરી શક્યો નથી. એવું લાગી રહ્યું છે કે જસપ્રીત બુમરાહ એકલા હાથે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો સામે લડી રહ્યો છે. આને લઈને રોહિત શર્માએ કહ્યું કે, બુમરાહ એકદમ બ્રિલિયન્ટ છે, અમે તેને ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ, તે માત્ર દેશ માટે રમવા માંગે છે અને ટીમ માટે સારું કરવા માંગે છે, પરંતુ કમનસીબે તેને બીજી બાજુથી વધુ સમર્થન મળ્યું નથી.”
સિડની મેચને લઈને કરી આ વાત
સિડની મેચને લઈને કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે “સિડનીમાં અમારી પાસે એક ટીમ તરીકે અમે જે કરી શકીએ તે કરવાની તક છે. અમે તે મેચ સારી રીતે રમવાનો પ્રયત્ન કરીશું.” હવે ટીમ ઈન્ડિયા માટે સિડની ટેસ્ટ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. જો ટીમ ઈન્ડિયાએ WTC ફાઈનલની રેસમાં રહેવું હોય તો તેને આગામી મેચ જીતવી પડશે.