BUSINESS

તમારી પાસે છે 2000ની નોટ? આ જગ્યાઓ પર કરાવી શકો છો જમા

ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને લઈને મહત્વના સમાચાર આપ્યા છે. RBIએ બુધવારે કહ્યું કે 2000 રૂપિયાની 98.12 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પરત આવી ગઈ છે. જો કે હજુ પણ 6,691 કરોડ રૂપિયાની 2000ની નોટ ઘણા લોકો પાસે છે. 19 મે, 2023ના રોજ RBIએ જાહેરાત કરી હતી કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે.

હજુ સુધી 6,691 કરોડ રૂપિયાની 2000ની નોટ નથી થઈ જમા

19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટોની કુલ કિંમત અંદાજે 3.56 લાખ કરોડ રૂપિયા હતી. તે 31 ડિસેમ્બર, 2024 સુધીમાં ઘટીને માત્ર 6,691 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે કુલ રૂપિયા 2000ની 98.12 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઈ છે. 19 મે 2023થી 7 ઓક્ટોબર 2023 સુધી કોઈપણ બેન્ક શાખામાં 2000 રૂપિયાની નોટ જમા અથવા બદલી શકાતી હતી.

2000ની નોટ કયા કરાવી શકો છો જમા?

ત્યારબાદ 2000ની નોટ જમા કરવાની અને બદલી શકવાની સુવિધા RBIની 19 ઓફિસમાં ઉપલબ્ધ છે. 9 ઓક્ટોબર 2023થી લોકો RBIની ઓફિસમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકે છે. આ સિવાય લોકો ભારતીય પોસ્ટ દ્વારા પણ આ નોટ મોકલી શકે છે. આ સાથે તે નોટોને આરબીઆઈ ઓફિસમાં જમા કરાવી શકે છે અને તેટલી જ રકમ તેમના ખાતામાં પણ જમા કરી શકાય છે.

દેશભરમાં RBIની 19 ઓફિસ આવેલી છે

2000 રૂપિયાની નોટ હજુ પણ માન્ય છે. તેનો અર્થ એ કે તેઓનો ઉપયોગ કરી શકાય છે. ભારતમાં 2000 રૂપિયાની નોટ જમા કરવા અથવા બદલવા માટે RBIની 19 ઓફિસમાં તમે જઈ શકો છો. દેશના વિવિધ શહેરોમાં RBIની ઓફિસ આવેલી છે. જેમાં અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button