બે વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન રોમાનિયાની સિમોના હાલેપે ઇન્ટરનેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. રોમાનિયન ટેનિસ સ્ટાર હાલેપે ઇટાલીની લ્યૂસિયા બ્રોન્ઝેટી સામે 6-1, 6-1થી પ્રથમ રાઉન્ડમાં હાર્યા બાદ ટ્રાન્સવેનિયા ઓપન ટૂર્નામેન્ટમાં કોર્ટ ઉપર નિવૃત્તિની જાહેરાત કરી હતી.
મેચ બાદ હાલેપે જણાવ્યું હતું કે ટેનિસની રમતને મને ઘણું આપ્યું છે અને હવે કોર્ટથી દૂર થવાનો સમય આવી ગયો છે. હું નંબર-1 ખેલાડી બની હતી અને મેં ગ્રાન્ડસ્લેમ જીત્યા છે. બાળપણમાં હું જે બાબતોના સ્વપ્ન સેવતી હતી તે તમામ મેં હાંસલ કર્યા છે. ટેનિસ બાદ પણ જીવન છે અને મને આશા છે કે આપણે ફરીથી એકબીજાને મળીશું. બે વર્ષ સુધી ચાલેલા ડોપિંગના મામલે ડબ્લ્યૂટીએ ટૂરમાં પુનરાગમન કર્યા બાદ હાલેપની આ પાંચમી ટૂર્નામેન્ટ હતી. જાન્યુઆરીમાં ઘૂંટણની ઈજાના કારણે તેને ઓસ્ટ્રેલિયન ઓપન ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી ખસી જવું પડયું હતું. હોલેપે 2018માં ફ્રેન્ચા ઓપનમાં સ્લોએન સ્ટિફન્સને હરાવીને પોતાની પ્રથમ મેજર ટ્રોફી જીતી હતી. ત્યારબાદ તેણે 2019માં ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાતા વિમ્બલ્ડન વિમેન્સ સિંગલ્સનો ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યો હતો. હાલેપે કારકિર્દીમાં 24 સિંગલ્સના ટાઇટલ જીત્યા હતા અને તેણે 580 વિજય તથા 241 પરાજય મેળવ્યા હતા. તે 2018માં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ સુધી પહોંચી હતી. યુએસ ઓપનમાં તેનું બેસ્ટ પ્રદર્શન સેમિફાઇનલ સુધીનું હતું.
Source link