એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના આજે લગ્ન છે. તેઓ સુરતના હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી દિવા શાહ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન અમદાવાદમાં થવાના છે. બપોરે 2 વાગ્યાથી કાર્યક્રમો શરૂ થશે. લગ્ન પરંપરા અનુસાર વિધિ પૂર્વક કરવામાં આવશે. મળતી માહિતી મુજબ અદાણી ટાઉનશિપના શાંતિગ્રામ ખાતે તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવો જાણીએ કેવા હશે લગ્ન.
કેવા ભવ્ય હશે લગ્ન?
ગૌતમ અદાણીએ પહેલેથી જ કહ્યું છે કે તેમના પુત્રના લગ્ન સાદગીપૂર્ણ રહેશે અને બધી વ્યવસ્થા ગુજરાતી પરંપરાઓ અનુસાર કરવામાં આવશે. જો કે એવા પણ અહેવાલ મળ્યા હતા કે હોલીવુડ અને બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળી શકે છે. પરંતુ ગૌતમ અદાણીના આ નિવેદન પછી આ અટકળોનો અંત આવ્યો હતો. આ લગ્નમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ હાજર રહી શકે છે તેવા દાવા કરવામાં આવી રહ્યા હતા. આ માટે પ્રખ્યાત ગાયકને મોટી ફી ચૂકવવામાં આવી છે. પરંતુ ગૌતમ અદાણીએ મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં પોતાના પરિવાર સાથે પૂજા કર્યા પછી કહ્યું હતું કે એવું કંઈ નથી. લગ્ન સાદાઇથી અને વિધિ મુજબ જ કરવામાં આવશે.
કેટલા આવશે મહેમાનો ?
મહત્વનું છે કે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પોતાના પરિવાર સાથે ગંગા આરતી કર્યા પછી, ગૌતમ અદાણીએ કહ્યું હતું કે મારો ઉછેર અને કામ કરવાની રીત એક સામાન્ય મજૂર વર્ગના વ્યક્તિ જેવી છે. જીત પણ અહીં માતા ગંગાના આશીર્વાદ લેવા આવ્યો છે. લગ્ન એક સાદા અને પરંપરાગત કૌટુંબિક સમારંભમાં થશે. આમાં સેલિબ્રિટીઓનો સમાવેશ થશે નહીં. અહેવાલો અનુસાર લગ્નમાં મહેમાનોની સંખ્યા 300 થી વધુ થવાની અપેક્ષા નથી. જો કે હજુ સુધી સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
જીત અદાણી ક્યાં લગ્ન કરશે?
જીત અદાણી અને દિવા શાહના લગ્ન પહેલાના સેલિબ્રેશન 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયા છે. જ્યારે લગ્ન સમારોહ આજે એટલે કે 7 ફેબ્રુઆરીએ અમદાવાદમાં થવાનો છે. આ લગ્ન સાદગીથી થશે.
લગ્ન કેટલા ખાસ હશે?
જીત અને દિવાના લગ્નને સંપૂર્ણપણે લો પ્રોફાઇલ રાખવાના પ્રયાસો થઈ રહ્યા હોવા છતાં, દેશના વિવિધ ભાગોમાંથી કલાકારો આ લગ્નમાં આવી રહ્યા છે. જેના કારણે સમગ્ર સમારોહમાં ભારતીયતાની ઝલક જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ લગ્નમાં મહેમાનોને આપવા માટે નાસિક અને મહારાષ્ટ્રથી પૈઠણી સાડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ લગ્નમાં જોધપુરના બીબાજી ચૂડીવાલાની પરંપરાગત બંગડીઓ પણ ખનકતી જોવા મળી શકે છે.
લગ્ન પહેલા ‘મંગલ સેવા’નો સંકલ્પ
નવી સફર શરૂ કરતા પહેલા જીત અને દિવાએ એક મોટો નિર્ણય લીધો છે. તેઓએ દિવ્યાંગ બહેનો અને નવપરિણીત દિવ્યાંગ યુગલોને મદદ કરવા માટે ‘મંગલ સેવા’ કાર્યક્રમની જાહેરાત કરી. લગ્નના બે દિવસ પહેલા બુધવારે જીત અદાણી આવા 21 નવપરિણીત યુગલોને મળ્યા હતા. ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપતા કહ્યું કે, ખૂબ જ ખુશીની વાત છે કે મારો પુત્ર જીત અને પુત્રવધૂ દિવા એક ઉમદા પહેલ સાથે તેમના લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે.
હું ખૂબ સંતુષ્ટ છું કે…
મંગલ સેવા સંકલ્પ વિશે માહિતી આપતા ગૌતમ અદાણીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે જીત અને દિવાએ દર વર્ષે 500 અપંગ બહેનોના લગ્ન માટે 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાનું નક્કી કર્યું છે.’ એક પિતા તરીકે તેઓ જે શુભ સેવા કરી રહ્યા છે તેનાથી હું ખૂબ જ સંતુષ્ટ છું. મને વિશ્વાસ છે કે આ પ્રયાસ દ્વારા ઘણી અપંગ દીકરીઓ અને તેમના પરિવારોનું જીવન સુખ, શાંતિ અને સન્માન સાથે આગળ વધશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જીત અને દિવાને સેવાના આ માર્ગ પર આગળ વધવા માટે આશીર્વાદ અને શક્તિ આપે.
કોણ છે અદાણી પરિવારની નાની વહુ ?
જીત અદાણીની દિવા સાથે સગાઉ ખાનગી રીતે થઇ હતી. સગાઇમાં ઘણા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પરંતુ તેમના લગ્ન અને લગ્ન પહેલાના કાર્યક્રમને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગૌતમ અદાણીની નાની વહુ વિશે વાત કરીએ તો તે દિવા એ સુરતના મોટા હીરા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી છે. જૈમિન શાહ સી. દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડના માલિક છે. તેમનો બિઝનેસ સુરતથી મુંબઈ સુધી ફેલાયેલો છે. ડાયમંડ કંપની સુરત અને મુંબઈમાં આવેલી છે. જોકે દિવા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી.
પરંતુ રિપોર્ટ્સ અનુસાર તેને બિઝનેસ અને ફાઇનાન્સની સારી સમજ છે. તેણે તેના પિતાને તેના વ્યવસાયનું સંચાલન કરવામાં પણ મદદ કરે છે. દિવા કેટલી કમાણી કરે છે તે અંગે કોઈ ચોક્કસ આંકડો નથી. તેમ છતાં, એવું માનવામાં આવે છે કે દિવા જેમિન પણ કરોડોની માલિક છે.
જીત અદાણી પણ અબજોના માલિક
જીત અદાણી ગૌતમ અદાણીના નાના પુત્ર છે. તે અદાણીનો બિઝનેસ પણ સંભાળે છે. જીત વર્ષ 2019માં અદાણી ગ્રુપમાં જોડાયો હતા. તેમણે પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. શરૂઆતમાં તેણે નાણા, મૂડી બજાર અને જોખમ અને નીતિ પર કામ કર્યું. અદાણી ગ્રૂપની વેબસાઈટ અનુસાર, જીત અદાણી એરપોર્ટ બિઝનેસ અને અદાણી ડિજિટલ લેબ્સ પણ સંભાળે છે. ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીના લગ્ન પરિધિ શ્રોફ સાથે થયા છે, જેઓ અદાણી ગ્રુપની કાનૂની બાબતોનું સંચાલન કરે છે.