રાજકોટમાં શિક્ષકોની ઘટ વચ્ચે લોકમેળામાં VVIP લોકોના ભોજન વ્યવસ્થાની જવાબદારી શિક્ષકોના શિરે, પરિપત્રથી વિવાદનો વંટોળ

રાજકોટના જસદણ તાલુકામાં ઘેલા સોમનાથ ખાતે યોજનાર શ્રાવણ માસના ઉત્સવમાં તંત્ર દ્વારા એક વિચિત્ર ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ મહોત્સવ દરમિયાન VVIP ભોજનની કામગીરીના સંચાલનની વ્યવસ્થા આજુબાજુના 10થી વધુ શાળાઓના પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી છે. VVIPને યોગ્ય રીતે ભોજન મળે છે કે નહીં તેની કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
નાયબ કલેક્ટરના એક પરિપત્રના કારણે વિવાદ ઉભો
જસદણના નાયબ કલેક્ટરના એક પરિપત્રના કારણે વિવાદ ઉભો થયો છે. હુકમ મુજબ 48 શિક્ષકોને VVIPની ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપાઈ છે.આ અગાઉ અલગ-અલગ 48થી વધુ શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાયનું શિક્ષકોને કામ સોંપાઈ ચૂક્યું છે.
VVIP મહેમાનોના વ્યવસ્થાની જવાબદારી શિક્ષકોના માથે
મેળામાં મોટી સંખ્યામાં VVIP મહેમાનોના આવવાની સંભાવના હોવાથી તેમની ખાણીપીણી અને વ્યવસ્થાની જવાબદારી શિક્ષકોના માથે સોંપવામાં આવી છે. સાથે જ તલાટી, ગ્રામ સેવા સહાયક અને શિક્ષણ અધિકારીઓને પણ વિવિધ કામગીરીમાં જોડવામાં આવ્યા છે.
શિક્ષક VVIP ભોજનની કામગીરી કરશે તો ભણાવશે ક્યારે?
ઉલ્લેખનીય છે કે શિક્ષણ જગત અને વાલીઓએ આવા નિર્ણયનો ભારે વિરોધ કર્યો છે અને પ્રશ્ન કર્યો છે કે, જ્યારે બાળકોનું ભણતર પછાત રહી રહ્યું છે ત્યારે શિક્ષકોને શૈક્ષણિક કાર્યો છોડાવીને એવા કાર્યમાં કેમ જોડવામાં આવે છે જે તેમના કાર્યક્ષેત્રથી અનુરૂપ નથી.