ગાંધીનગરમાં હિટ એન્ડ રન, રાંદેસણ નજીક કારચાલકે એક મહિલા સહિત ચારનો ભોગ લીધો

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ભયાનક ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. સિટી પ્લસ સિનેમા નજીક એક હેરિયર કાર ચાલક પુરપાટ ઝડપે આવી ચાર લોકોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલાનું ચાર લોકોના મોત થયા છે.
કારચાલકને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી શરૂ
ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે લોકોની ભીડને શાંત કરી અને કારચાલકને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી સામે હિટ એન્ડ રન, બેદરકારીથી વાહન ચલાવવું અને જાન હાનિ માટેની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
RTO વિભાગ સામે દરકાર ન દાખવવાનો આક્ષેપ
આ ઘટનાએ ફરી એકવાર ગાંધીનગરમાં વાહન વ્યવહાર અને કાયદો વ્યવસ્થાના પ્રશ્નોને ઉજાગર કર્યા છે. શહેરમાં વધતી વાહનવ્યહારી બેદરકારી સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. સ્થાનિકોએ પોલીસ અને RTO વિભાગ સામે દરકાર ન દાખવવાનો આક્ષેપ પણ કર્યો છે.
હજુ સુધી પોલીસે આરોપીની ઓળખ જાહેર કરી નથી, પરંતુ તેને કોર્ટમાં રજૂ કરાશે અને વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે.