ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ

ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 64 ટકા, દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 51.64 ટકા નોંધાયો છે.
રાજ્યના મુખ્ય જળસ્રોત સરદાર સરોવર ડેમમાં હાલમાં 59.42 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે, જે 1,98,503 એમ.સી.એફ.ટી. જેટલો થાય છે. રાજ્યના કુલ 206 ડેમોમાં મળી 3,40,817 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતા કરતાં 61.06 ટકા થાય છે.
ડેમ 25થી 50 ટકા જેટલા ભરાયા
સરેરાશ વરસાદના પરિણામે રાજ્યના 28 ડેમો તળિયે સુધી ભરાઈ ચૂક્યા છે. ઉપરાંત 48 ડેમ હાઈ એલર્ટ પર 19 એલર્ટ પર અને 23 વોર્નિંગ કક્ષાએ છે. 62 ડેમ 70થી 100 ટકા, 41 ડેમ 50થી 70 ટકા અને 38 ડેમ 25થી 50 ટકા જેટલા ભરાયા છે.
તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. 25 જુલાઈ 2025 સુધીમાં ખેડૂતોએ કુલ 58.38 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે 68.23 ટકા જમીન પર ખરીફ પાકનું વાવેતર પૂર્ણ કર્યું છે. તેમાં મગફળી 19.42 લાખ હેક્ટર અને કપાસ 19.62 લાખ હેક્ટરમાં વાવવામાં આવ્યો છે.