દેશ-વિદેશ
ઈટાલીમાં વિમાન ગોથું ખાઈને ધડામ દઈ હાઈવે પર પડ્યું, એરક્રાફ્ટ અગનગોળો બનતા પાયલટ સહિત બેનાં મોત

ભારત સહિત દુનિયામાં છેલ્લા કેટલાક સમયથી વિમાનમાં ખામી અને પ્લેન ક્રેશ થવાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે આવી જ એક ઘટના વધુ બની છે. જ્યાં ઇટાલીના બ્રેસિયા નજીક એક એરક્રાફ્ટ ક્રેશ થયું હતું.
આ દુર્ઘટનામાં એરક્રાફ્ટ ઉડાડી રહેલા 75 વર્ષીય પાઇલટ સર્જિયો રાવાગ્લિયા અને તેમનાં પત્ની અન્ના મારિયા ડી સ્ટેફાનોનું મોત થયું છે જ્યારે 2 લોકો ઘાયલ થયા હતા.
મળતી માહિતી પ્રમાણે ઇટલીના બ્રેશિયાના કોર્ડામોલ-ઓસ્પિટેલ રાજમાર્ગ પર એક વિમાન ક્રેશ થયુ છે. વિમાને ઉડાન ભર્યાના થોડીક જ મિનિટોમાં તે હાઇવે પર ગોથું ખાઈને પડ્યું હતું.
આ દુર્ઘટના બાદ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ત્યાંથી નીકળી રહેલી બે ગાડી ચપેટમાં આવતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.