ટેસ્ટ કરતા T20I રેન્કિંગ વધુ રોમાંચક બન્યું, અભિષેક શર્માએ નંબર-1 બનીને ઇતિહાસ રચ્યો

ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન અભિષેક શર્માએ ICC T20I રેન્કિંગમાં ઇતિહાસ રચ્યો છે. તે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પછી T20I બેટ્સમેન રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ પાસેથી નંબર-1નું સ્થાન છીનવી લીધું.
હેડ એક વર્ષથી વધુ સમય સુધી નંબર-1 પર હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે, અભિષેકે ગયા વર્ષે ઝિમ્બાબ્વે સામે T20I સદી ફટકારી હતી, પરંતુ સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામેના તેના શાનદાર પ્રદર્શન પછી, તેણે ટ્રેવિસને નંબર-2 પર ધકેલી દીધો છે.
જોશ ઇંગ્લિશને થયો ફાયદો
આ ઉપરાંત, જોશ ઇંગ્લિશ T20I બેટ્સમેન રેન્કિંગમાં 6 સ્થાનની છલાંગ લગાવી 9મા સ્થાને પહોંચી ગયો છે. ટિમ ડેવિડ 12 સ્થાન ઉપર ચઢીને 28મા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કેમેરોન ગ્રીને 64 સ્થાનોનો મોટી છલાંગ લગાવી છે અને હવે તે 24મા સ્થાને છે.
તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચમાં 205 રન બનાવીને આ મોટો ઉછાળો મેળવ્યો. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર નાથન એલિસ 7 સ્થાનના ફાયદા સાથે 8મા સ્થાને પહોંચ્યો છે, જ્યારે સીન 21 સ્થાનના ફાયદા સાથે 23મા સ્થાને પહોંચ્યો છે.
રવિન્દ્ર જાડેજાને પાંચ સ્થાનનો ફાયદો
ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ઇંગ્લેન્ડના જો રૂટ 904 રેટિંગ સાથે ટોચ પર છે. બેટ્સમેન રેન્કિંગમાં, ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત એક સ્થાન ઉપર આવીને 7મા સ્થાને પહોંચી ગયો છે. તે જ સમયે, ઇંગ્લેન્ડનો બેટ્સમેન બેન ડકેટ 5 સ્થાન ઉપર ચઢીને 10મા સ્થાને પહોંચી ગયો છે.
જયસ્વાલ 8મા સ્થાને સરક્યો
ઓપનર યશસ્વી જયસ્વાલ રેન્કિંગમાં 3 સ્થાન નીચે આવી ગયો છે અને 769ના રેટિંગ સાથે 8મા સ્થાને સરકી ગયો છે. માન્ચેસ્ટરમાં તેની શાનદાર સદીનો ફાયદો રવિન્દ્ર જાડેજાને થયો અને તે પાંચ સ્થાન ઉપર ચઢીને 29મા સ્થાને પહોંચ્યો. તેના સિવાય, ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ 8 સ્થાન ઉપર ચઢીને 34મા સ્થાને પહોંચી ગયો છે.
સ્ટોક્સે પણ ICC ટેસ્ટ ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં લગાવી છલાંગ
બેન સ્ટોક્સે પણ ICC ટેસ્ટ ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં 3 સ્થાનનો ફાયદો મેળવ્યો છે, જ્યારે ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં નંબર-1 પર છે.