ગૂગલ ભારતમાં કરશે 6 બિલિયન ડોલરનું રોકાણ! આ રાજ્યમાં એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર કરાશે તૈયાર

ગૂગલનું એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર ભારતમાં બનવા જઈ રહ્યું છે. ક્ષમતા અને રોકાણના કદની દ્રષ્ટિએ આ ડેટા સેન્ટર એશિયામાં સૌથી મોટું હશે.
આ પ્રોજેક્ટ સિંગાપોર, મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં તેના ડેટા સેન્ટર પોર્ટફોલિયોના અબજો ડોલરના વિસ્તરણનો એક ભાગ છે. અગાઉ એપ્રિલમાં, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વૈશ્વિક ટેરિફથી સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતા હોવા છતાં,
તેઓ આ વર્ષે ડેટા સેન્ટર ક્ષમતા વધારવા માટે આશરે 75 બિલિયન ડોલર ખર્ચ કરવા પ્રતિબદ્ધ છે. જોકે, કંપનીએ ભારતમાં રોકાણ અંગેની માહિતી પર કોઈ ટિપ્પણી કરી નથી. આંધ્રપ્રદેશ સરકારે પણ આ બાબતે કોઈ માહિતી આપી નથી.
ભારત માટે આ રોકાણ કેમ મહત્ત્વપૂર્ણ?
જો ગૂગલ ભારતમાં આ રોકાણ કરે છે, તો તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે કારણ કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારત પ્રત્યે આક્રમક વલણ જાળવી રહ્યા છે. તેમજ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને ભારતીય એન્જિનિયરને નોકરી પર ન રાખવા કહ્યું હતું.
આ ઉપરાંત, ટ્રમ્પ સતત અમેરિકામાં રોકાણ કરવા દબાણ કરી રહ્યા છે. ટ્રમ્પે એપલને પણ ધમકી આપી છે. એપલે તાજેતરમાં ભારતમાં તેનું ઉત્પાદન વધાર્યું છે. બ્રાન્ડ હવે અહીં તેના લેટેસ્ટ આઇફોનનું ઉત્પાદન કરી રહી છે. એવામાં એપલને પણ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.