રશિયાનો યુક્રેન પર મોટો હુમલો, 31 લોકોના મોત, ઝેલેન્સ્કીએ કહ્યું- ‘દુનિયા ચૂપ ના રહે’

રશિયાએ યુક્રેનની રાજધાની કીફ પર મિસાઇલ અને ડ્રોન વડે કરેલા વિનાશક હુમલામાં પાંચ બાળક સહિત કુલ 31 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. કીફમાં પાંચ મહિનાની બાળકીને પણ ઇજા પહોંચી છે.
આ હુમલાના કારણે નવ માળની રહેણાંક ઇમારતનો મોટો હિસ્સો ધરાશાયી થયો હતો. ઘટનાના એક દિવસ પછી શુક્રવારે શહેરમાં સત્તાવાર રીતે શોકદિન જાહેર કરાયો હતો. યુદ્ધપ્રભાવી હુમલાની વિગતો આપતા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે બે વર્ષના બાળક સહિત કુલ 16 બાળકો ઇજાગ્રસ્ત છે. અધિકારીઓ જણાવે છે કે ઓક્ટોબર 2022 પછી કીફ પર થયેલા હવાઈ હુમલાઓમાં બાળકોનાં મૃત્યુ અને ઈજાઓની આ સૌથી વધુ ઘટના છે.
હુમલાની ઘટનાની જાણ થતા જ બચાવ દળો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું હતું. શોધખોળની કામગીરીના અનેક વિડિઓઝ અને તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેમાં રેસ્ક્યુ ટીમો કાટમાળમાં ફસાયેલા લોકો માટે પ્રયત્ન કરી રહી છે.
ઝેલેન્સ્કીએ શું કહ્યું?
રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, ‘હમણાં સુધી 31 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં પાંચ બાળકનો સમાવેશ થાય છે. સૌથી નાનો ભોગ બનનાર ફક્ત બે વર્ષની ઉંમરનો છે. હું મૃતકોના પરિવારજન પ્રત્યે મારી સહાનુભૂતિ વ્યક્ત કરું છું.
હજુ સુધી કુલ 159 લોકો ઘાયલ થયા છે, જેમાં 16 બાળકો છે. બધાને જરૂરી તબીબી સારવાર મળી રહી છે. હું તમામ બચાવકર્મી, પોલીસ, ડોક્ટરો અને નર્સોનો આભાર માનું છું જેમણે તાત્કાલિક મદદ પહોંચાડી.’
‘આવો અત્યાચાર સહન નહીં થાય’
ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘આ ઘટના એ બતાવે છે કે રશિયાની નિર્મમતા સામે દુનિયાએ એકસાથે ઊભા રહેવાની જરૂર છે. મોસ્કો પર દબાણ વધારવું જરૂરી છે અને વધુ અસરકારક પ્રતિબંધો લાગુ થવા જોઈએ.
વિશ્વ સમુદાયે શાંત ન રહેવું જોઈએ. હું તમામ સમર્થક દેશોનો આભાર માનું છું, જેમણે યુક્રેનનો પાયો મજબૂત બનાવ્યો છે.