Surat News: સુરતમાં ધો.10 ની વિદ્યાર્થિનીએ છઠ્ઠા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું, ઘરેથી 4 કિમી દૂર મળ્યો મૃતદેહ

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી હતી. આ ઘટનાની શરૂઆત ગતરોજ સાંજે થઈ, જ્યારે અસ્વિતા ઘરેથી નીકળી હતી. પરિવારે જણાવ્યું કે તેણે પરિવારને કહ્યું હતું કે તે ટ્યુશનથી આવી છે અને હવે તેની બહેનપણીના ઘરે જઈ રહી છે. પરંતુ, રાત્રે 8 વાગ્યા સુધી તે પરત ન આવતા અને તેનો મોબાઇલ ફોન બંધ આવતા પરિવાર ચિંતિત થયો. રાત્રે 11 વાગ્યા સુધી રાહ જોયા બાદ આખરે પરિવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
મોબાઈલ ફોનના લોકેશનના આધારે શોધખોળ શરૂ કરી
ફરિયાદ મળતા જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. પોલીસે અસ્વિતાના મોબાઈલ ફોનના લોકેશનના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી. લોકેશન પાંડેસરા વિસ્તારમાં મળતા પોલીસ તે તરફ વળી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અસ્વિતા ભેસ્તાનથી એક રિક્ષામાં બેસીને પાંડેસરાના તિરુપતિ સર્કલ સુધી આવી હતી. અહીંથી તે એકલી જ ચાલીને તિરુપતિ સર્કલથી લગભગ પાંચ મિનિટના અંતરે આવેલી સપનોલોક બાંધકામ સાઇટ પર પહોંચી હતી.
સિક્યોરિટી ગાર્ડે બૂમો પાડી
બાંધકામ સાઇટ પર અસ્વિતા પહોંચી, ત્યાં રહેલા સિક્યોરિટી ગાર્ડે તેને જોઈ અને બૂમો પણ પાડી. પરંતુ, તે કશું સમજે કે કોઈ કાર્યવાહી કરે તે પહેલાં અસ્વિતા સીધી છઠ્ઠા માળે ગઈ અને ત્યાંથી કૂદી ગઈ હતી. સિક્યોરિટી ગાર્ડની બૂમો નિષ્ફળ ગઈ અને અસ્વિતાએ જીવલેણ છલાંગ લગાવી હતી. ગાર્ડે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
મૃતદેહ બાંધકામ સાઇટ પર પડ્યો હતો
પાંડેસરા પોલીસ અને ભેસ્તાન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે જોયું કે અસ્વિતાનો મૃતદેહ બાંધકામ સાઇટ પર પડ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક પરિવારને જાણ કરવામાં આવી અને પિતા હિતેશભાઈ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોતાની દીકરીની આ હાલત જોઈને આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પિતાના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
પોલીસ તપાસ બાદ પરિવારને પડી ખબર
આદિવાસી સમાજના અગ્રણી હિતેશભાઈએ આ ઘટના અંગે જણાવ્યું કે, “અસ્વિતાએ પરિવારને કહ્યું હતું કે તે ટ્યુશનથી આવી છે અને હવે મિત્રના ઘરે જઈ રહી છે. પરંતુ તે પાછી ન આવતા અમે ચિંતામાં હતા. પોલીસની તપાસ બાદ અમને ખબર પડી કે તે અહીં પાંડેસરામાં ઓમકાર રેસિડેન્સિયલ નામના ટાવરની બાંધકામ સાઇટ પર હતી. રીક્ષા શા માટે તિરુપતિ સર્કલ સુધી ગઈ તે પણ તપાસનો વિષય છે. અમને ડર છે કે કોઈ ભયના કારણે તેણે આત્મહત્યા કરી છે, અથવા કદાચ તેને ફેંકી દેવામાં પણ આવી હોઈ શકે છે.
છઠ્ઠા માળેથી કૂદકો માર્યો
આ મામલે પોલીસે જણાવ્યું કે, “વિદ્યાર્થીની ભેસ્તાનથી ઓટોમાં પાંડેસરાના તિરુપતિ સર્કલ સુધી આવી અને ત્યાંથી ચાલીને બાંધકામ સાઇટ પર પહોંચી. છઠ્ઠા માળેથી તેણે કૂદકો માર્યો, જે દરમિયાન સિક્યોરિટી ગાર્ડે તેને જોઈ બૂમો પાડી હતી, પરંતુ તે પહેલાં જ તેણે પોતાનો જીવ આપી દીધો. અમે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીનીના મોબાઇલ ફોન અને તેના સંપર્કોની પણ તપાસ ચાલી રહી છે.”
ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા
આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. એક ધોરણ 10માં ભણતી કિશોરી, જેની જિંદગીની શરૂઆત થવાની હતી, તેણે આટલું મોટું પગલું ભર્યું કેમ? શું તેના પર કોઈ શૈક્ષણિક દબાણ હતું? કે પછી કોઈ વ્યક્તિગત કારણો હતા જેના કારણે તેણે આવો કઠિન નિર્ણય લીધો? સમાજના અગ્રણી દ્વારા વ્યક્ત કરેલી શંકા કે કોઈ ભયના કારણે તેણે આવું કર્યું છે, તે પણ તપાસનો એક મહત્વપૂર્ણ મુદ્દો છે. હાલ, પોલીસે અસ્વિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.