Disha Vakani Asit Modi Rakhi Celebration: TMKOCમાં 8 વર્ષ બાદ દયાભાભીની વાપસી થશે?, ઘરે પહોંચી પ્રોડ્યૂસર અસિત મોદી પગે લાગ્યા

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે અસિત મોદી દયાબેનના ઘરે ગયા છે. દિશા ઉપરાંત તેનો પરિવાર પણ ત્યાં હાજર છે. આ દરમિયાન દિશા તેમને તિલક લગાવે છે, આરતી કરે છે.
તેમના હાથ પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. આ દરમિયાન અસિત મોદી પણ ‘દયાભાભી’ને મીઠાઈ પણ ખવડાવે છે. અસિત મોદી અને તેમનાં પત્ની દિશાને પગે લાગે છે પણ તે બંનેને અટકાવી દે છે અને પોતે બંનેને પગે લાગે છે.
લોહીના નહીં, પણ દિલના સંબંધો છે: અસિત મોદી
અસિત મોદીએ કેપ્શનમાં લખ્યું- કેટલાક સંબંધો નસીબથી વણાયેલા હોય છે. લોહીના નહીં, પણ દિલના સંબંધો હોય છે. દિશા વાકાણી માત્ર આપણી ‘દયા ભાભી’ નથી, મારી બહેન પણ છે.
વર્ષોથી હાસ્ય, યાદો અને સ્નેહ વહેંચતો આ સંબંધ પડદા પૂરતો મર્યાદિત નથી. આ રાખી પર ફરી એકવાર એ જ અતૂટ વિશ્વાસ અને એ જ ઊંડો સ્નેહ અનુભવાયો. આ બંધન હંમેશાં એવું જ મધુર અને મજબૂત રહે.
દિશા વાકાણી છેલ્લે 2017માં શોમાં જોવા મળી હતી
ઉલ્લેખનીય છે કે દિશા વાકાણીએ લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં ઓળખ મેળવી હતી.
પરંતુ એક્ટ્રેસે 2017માં મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી જોકે તે આજદિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે.