Road in Sehore: રસ્તો એટલો ખરાબ હતો કે આખો ટ્રક પલટી ગયો, જાણો ક્યાં થયું

ભાવનગરના સિહોરમાં નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. વોર્ડ નંબર પાંચના માધવનગર વિસ્તારમાં વરસાદના પાણીથી રસ્તા પર અતિશય કિચડ થઈ ગયું છે અને રસ્તો લપસણો બનતા એક ડમ્પર પલટી મારી ગયું હતું. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનની ખબર નથી મળી.
લાંબા સમયથી રોડ રસ્તાની ખરાબ હાલત
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં લાંબા સમયથી રોડ રસ્તાની ખરાબ હાલત છે. વરસાદી મોસમમાં સ્થિતિ વધુ વિકટ બની જાય છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે. સામાન્ય વાહનો લઈને જવું પણ કપરું બની ગયું છે.
સ્થાનીકો દ્વારા તંત્રને ખરાબ રોડ બાબતે અવારનવાર રજૂઆત છતા પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. સ્થાનીકોએ તંત્ર પર આક્ષેપો કર્યા છે કે જો આ ખરાબ અને લપસી પડાય તેવા રસ્તાને કારણે ઘણીવાર અકસ્માતો થયા છે અને બાળકોને શાળાએ જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા
ટ્રક પલટી જવાની ઘટનાએ ફરી એકવાર નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. લોકોનું કહેવું છે કે જો તંત્ર સમયસર રસ્તાનું સમારકામ કરે તો આવા બનાવો ટાળી શકાય.
રહેવાસીઓએ માંગ કરી છે કે નગરપાલિકા તાત્કાલિક રીતે રસ્તાના સમારકામ બાબતે પગલા લેય અને પરિસ્થિતિમાં સુધારો લાવે, જેથી આવતા દિવસોમાં કોઈ ગંભીર દુર્ઘટના ન બને.