Banaskantha : શ્રાવણમાં જ કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી 18 કિલોના ચાંદીનો થાળ ચોર ઉપાડી ગયા

બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં સુપ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી ગઈકાલે મોડી રાત્રે ચોરો 18 કિલો વજનના ચાંદીના થાળની ચોરી કરી ઉપાડી ગયા છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ચાંદીનો થાળ આજથી 15 દિવસ પહેલાં એક ભક્ત દ્વારા ગુપ્ત દાન તરીકે અર્પણ કરાયો હતો.
ચોરી બાદ મંદિર ભક્તો માટે બંધ કરાયું
કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ચોરીની ઘટના બાદ હાલ મંદિરને શિવભક્તોની પૂજા માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ પણ લેવામાં આવી રહી છે.
મંદિરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠ્યા
ભક્તો અને સ્થાનિકોની માગ છે કે ચોરી કરનાર આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડીને ચાંદીનું થાળું પાછું મેળવવામાં આવે. આ ઘટનાને પગલે કોટેશ્વર મહાદેવ મંદિરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.