ટૉપ ન્યૂઝમારું ગુજરાત

School Murder Case: સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ વણસી, સ્કૂલ બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે આજે (21 ઓગસ્ટ) મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની 200થી વધુ શાળાઓ જોડાઈ હતી.

બંધના એલાનને સવારથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ છે. સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્કૂલથી 500 મીટરના અંતર સુધી પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો.

સિંધીબજાર સંપૂર્ણપણે બંધ

આજે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સેવન્થ ડે સ્કૂલને તાળાબંધીનું એલાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સિંધીબજાર પણ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું.

સેવન્થ ડે સ્કૂલ બહાર NSUIનો ઉગ્ર વિરોધ

સેવન્થ ડે સ્કૂલના એક વિદ્યાર્થીની હત્યાના મામલે આક્રોશ યથાવત છે. આજે, NSUI દ્વારા સ્કૂલની બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો એકઠા થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને અટકાયતનો દૌર શરૂ કર્યો હતો. આ દરમિયાન, પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.

પ્લેકાર્ડ સાથે પહોંચ્યા વિદ્યાર્થીઓ

આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્લેકાર્ડ લઈને પહોંચ્યા હતા. તેમણે સ્કૂલ વિસ્તારમાં ‘ગુંડાગર્દી’ ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થીઓએ તેમના વિરોધને વ્યક્ત કરવા માટે ખાસ પોશાક પહેર્યો હતો. જેમાં વિદ્યાર્થિનીઓ કાળા કપડાં પહેરીને પહોંચી હતી, જ્યારે વિદ્યાર્થીઓ સફેદ કપડાં પહેરીને આવ્યા હતા.

સ્કૂલ મેનેજમેન્ટ સામે આક્રોશ

પ્રદર્શનકારીઓનો મુખ્ય આક્રોશ સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ સામે હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં મેનેજમેન્ટે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ બેદરકારીને કારણે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હોવાનું તેમનું માનવું છે. આ જ મુદ્દે બુધવારે પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જે દર્શાવે છે કે આ મામલે વિદ્યાર્થીઓ અને સંગઠનોનો આક્રોશ સતત વધી રહ્યો છે અને તેઓ ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. પોલીસે પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે.

500થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે બુધવારે થયેલી મારામારી અને તોડફોડ બાદ પોલીસ સક્રિય થઈ છે. સ્કૂલના એડમિન મયુરિકા પટેલે આ મામલે 500થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. સ્કૂલમાં ટોળાએ આવીને ઓફિસ, ક્લાસ રૂમ, સ્કૂલ બસના કાચ તોડી, એલ.સી.ડી, કોમ્પ્યુટર તોડીને 15 લાખનું નુકશાન કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ ટોળાએ સ્કૂલમાં રહેલ સ્ટાફ સાથે મારામારી કરી હતી. પોલીસની હાજરીમાં ટોળાએ તોડફોડ કરી હતી. ખોખરા પોલીસે રાયોટિંગ, મારામારી, નુકસાન પહોચાડવા જેવી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

આરોપી વિદ્યાર્થી સહિત અન્ય એકની અટકાયત

વિદ્યાર્થીની હત્યાના મામલે પોલીસે મુખ્ય આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી છે. આ ઉપરાંત, આ ઘટનામાં મદદ કરનાર અન્ય એક વિદ્યાર્થીની પણ શંકાના આધારે અટકાયત કરવામાં આવી છે. હાલ બંને વિદ્યાર્થીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.

સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી

પોલીસ તપાસમાં સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. જાણવા મળ્યું છે કે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ન હતી. એટલું જ નહીં, પરંતુ ઘટનાસ્થળેથી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ થયો હતો. વિદ્યાર્થીના લોહીના ડાઘા દૂર કરવા માટે પાણીનું ટેન્કર બોલાવી સફાઈ કરવામાં આવી હતી, જે એક ગંભીર ગુનો ગણી શકાય છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button