
શ્રીલંકાના ઉવા પ્રાંતના બડુલ્લા જિલ્લામાં એક ભયાનક બસ અકસ્માતમાં 9 મહિલાઓ સહિત 15 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી સામે આવી છે. ગુરુવારે મોડી રાત્રે ખાનગી બસ લગભગ 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ તંત્રએ તાત્કાલીક બચાવ કાર્ય શરૂ કર્યો હતો. શ્રીલંકન પોલીસે શુક્રવારે ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું, બસમાં સવાર તમામ મુસાફરો દક્ષિણ શ્રીલંકાના તાંગાલ્લે શહેરમાંથી એક પ્રવાસી સફર પર નીકળ્યા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ, એલ્લા કસ્બા પાસે પહોંચેલી બસ પહેલા એક જીપ સાથે અથડાઈ હતી, ત્યાબાદ તે ઊંડી ખીણમાં ખાબકી હતી. સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 9 વાગ્યની આસપાસ એક વળાંકવાળા રોડ પર સામેથી જીપ આવી રહી હતી, તે દરમિયાન બસની તેની સાથે ટક્કર થઈ હતી. ટક્કર થયા બાદ ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રસ્તાની રેલિંગ તોડીને ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માત બાદ તરત જ સેના, પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ અને સ્થાનિક રહેવાસીઓએ મળીને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી.
રાત્રિભર ચાલ્યું બચાવ કાર્ય
રિપોર્ટ મુજબ, તમામ ઘાયલોને બડુલ્લા ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ઘણાની હાલત અત્યંત ગંભીર છે. મૃતકોમાં 9 મહિલાઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે તેઓ બધા તાંગાલ્લે અર્બન કાઉન્સિલના કર્મચારીઓ હતા અને એક શૈક્ષણિક પ્રવાસે નીકળ્યા હતા.