Akshay Kumar : ‘પંજાબનો રિયલ હીરો’ અક્ષય કુમાર, પૂર પીડિતો માટે કર્યું રૂ. 5 કરોડનું દાન

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર ફરી એકવાર સાબિત કરી ચૂક્યો છે કે તે માત્ર ફિલ્મોનો જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનનો પણ હીરો છે. હાલમાં જ પંજાબમાં આવેલા ભીષણ પૂરના કારણે 43 લોકોના મોત થયા છે અને 23 જિલ્લા પ્રભાવિત થયા છે.
આ કુદરતી આફતનો સામનો કરી રહેલા પંજાબના લોકોની મદદ માટે અક્ષય કુમાર આગળ આવ્યો છે અને તેણે રૂપિયા 5 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે.
‘આ મારું દાન નહીં, સેવા છે’
પોતાના આ યોગદાન અંગે અક્ષયે એક નિવેદનમાં કહ્યું કે, તે આને દાન નહીં, પરંતુ એક સેવા માને છે. તેણે કહ્યું, “હા, હું પંજાબના પૂર પીડિતો માટે 5 કરોડ રૂપિયા આપી રહ્યો છું, પરંતુ હું કોણ છું કોઈને ‘દાન’ આપનારો? જ્યારે મને મદદ કરવાનો મોકો મળે છે, ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.”
અક્ષયે વધુમાં ઉમેર્યું કે, “મારા માટે, આ મારી સેવા છે, મારું ખૂબ જ નાનું યોગદાન છે. હું પ્રાર્થના કરું છું કે પંજાબમાં મારા ભાઈઓ અને બહેનો પર આવેલી આ આફત જલ્દીથી દૂર થાય. ભગવાન તેમના પર કૃપા વરસાવે.”
બોલિવૂડનો સૌથી મોટો દાનવીર
આ પહેલીવાર નથી કે અક્ષય કુમારે સંકટના સમયે મદદનો હાથ લંબાવ્યો હોય. વર્ષોથી તેણે રાષ્ટ્રીય જરૂરિયાતના સમયે સતત નાણાકીય સહાય પૂરી પાડી છે. કોરોના મહામારી દરમિયાન તેણે પીએમ-કેયર્સ ફંડમાં 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું,
જે તે સમયે કોઈ પણ બોલિવૂડ અભિનેતા દ્વારા આપવામાં આવેલું સૌથી મોટું યોગદાન હતું. તેણે શહીદ સૈનિકોના પરિવારોને મદદ કરવા માટે સરકાર સાથે ‘ભારત કે વીર’ પહેલ શરૂ કરી હતી.
2019માં પુલવામા હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના પરિવારોને પણ તેણે 5 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. 2018માં કેરળના પૂર પીડિતો માટે પણ તેણે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.