Banaskantha : રાજ્યના 222 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના સુઈગામમાં 14 ઇંચથી વધુ વરસાદ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક અવરજવર વરસાદથી લોકો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદ સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ ગઈકાલે ભારે વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 222 તાલુકામાં સતત વરસાદ નોંધાયો છે.
ભાભરમાં 8.62 ઈંચ, થરાદમાં 7.83 ઈંચ
બનાસકાંઠાના સુઈગામમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી, જ્યાં 14.17 ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. જિલ્લાનાં ભાભરમાં 8.62 ઈંચ, થરાદમાં 7.83 ઈંચ અને વાવમાં 7.8 ઈંચ વરસાદ પડતાં જળબંબાકાર સર્જાયો હતો. દિયોદરમાં પણ 4.41 ઈંચ વરસાદ નોંધાયો હતો.
અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની હાજરી આપી હતી. રાપરમાં છેલ્લા 24 કલાકમાં 9.25 ઈંચ વરસાદ ખાબકતાં નગરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાસ કરીને પ્રવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત તાપી, પાટણ અને વલસાડના કેટલાક તાલુકામાં 4.50 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન અસરગ્રસ્ત બન્યું છે.