Ahmedabadના પાલડીમાં ઘાતકી હત્યા, માર મારી અધમુવા યુવાન પર ગાડી ચઢાવી

અમદાવાદમાં ગુનાખોરી અને અસામાજિક તત્વોના વધતા ત્રાસ વચ્ચે એક વધુ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના પાલડી વિસ્તારમાં 6 થી 7 લોકોએ મળીને નેસલ ઠાકોર નામના યુવાનની નિર્મમ હત્યા કરી છે.
આ ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા છે, જેમાં આરોપીઓની બર્બરતા સ્પષ્ટ રીતે નજરે પડે છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તારણો અનુસાર, મૃતક નેસલ ઠાકોર પાલડી વિસ્તારનો રહેવાસી હતો,
જ્યારે હત્યા કરનાર લોકો કોલ સેન્ટર સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો મુજબ, સ્વિફ્ટ કારમાં આવેલા 6-7 લોકોએ પહેલા તેને બેરહેમીથી માર્યો અને પછી કાર ચઢાવી દીધી. આ ક્રૂર હુમલા બાદ રસ્તા પર લોહીની નદીઓ વહી ગઈ હતી.
બેહેમીથી મારઝૂડ કરતા જોવા મળે
CCTVમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, પહેલા નેસલ દોડતો દોડતો રસ્તા પર ઢળી પડે છે. તરત જ હુમલાખોરોનું ટોળું આવીને તેને મારવા લાગે છે. થોડા સમય પછી તેઓ કારમાં બેસીને સ્થળ છોડે છે, પરંતુ ફરી પાછા આવીને અર્ધમુવા પીડિત પર ગાડી ચઢાવી દે છે.
એટલું જ નહીં, કારમાંથી ફરી કેટલાક ઉતરી તેને બેહેમીથી મારઝૂડ કરતા જોવા મળે છે. અમદાવાદમાં આ ઘટના પહેલાં ખોખરા વિસ્તારમાં પણ એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીની સહાધ્યાયીએ છરી ઘોંપી હત્યા કરી દીધી હતી.
આ બનાવ પછી શાળાના વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને શાળા પરિસરમાં તોડફોડ પણ થઈ હતી. લગાતાર આવી ઘટનાઓ સામે આવતા શહેરમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસે આ કેસને પ્રાથમિકતા આપી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે.