England created history : T20I માં 300 રનનો સ્કોર બનાવી ઈંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, બનાવ્યો એક ખાસ રેકોર્ડ

માન્ચેસ્ટરમાં રમાયેલી બીજી T20I મેચમાં હેરી બ્રુકની આગેવાની હેઠળ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામે અભૂતપૂર્વ રેકોર્ડ રચ્યો. ઇંગ્લેન્ડે ફક્ત 2 વિકેટ ગુમાવીને 304 રનનો પર્વત જેવો સ્કોર ઉભો કર્યો,
જે T20I ઈતિહાસમાં કોઈ ફૂલ મેમ્બર ટીમ સામેનો સૌથી મોટો સ્કોર છે. આ સિદ્ધિ સાથે ઇંગ્લેન્ડે ભારતનો રેકોર્ડ (297/6, હૈદરાબાદ 2024) તોડી નાખ્યો.
અણનમ 141 રન નોંધાવ્યા
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત વિસ્ફોટક રહી. ફિલ સોલ્ટ અને જોસ બટલરે 10 ઓવરમાં જ સદીની ભાગીદારી નોંધાવી. બટલરે 30 બોલમાં જ 83 રન ફટકાર્યા, જ્યારે સોલ્ટે એક છેડો સંભાળી ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી. સોલ્ટે 60 બોલમાં 15 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 141 રન નોંધાવ્યા. તેમને જેકબ બેથેલ (26) અને કેપ્ટન હેરી બ્રુક (41*)એ પણ સહયોગ આપ્યો.
T20I ઈતિહાસમાં તેમનો સૌથી મોટો વિજય
305 રનની પહાડ જેવી ટાર્ગેટનો પીછો કરતી દક્ષિણ આફ્રિકા ટીમ એક ક્ષણ માટે પણ મજબૂત દેખાઈ નહીં. ઈંગ્લેન્ડના બોલરો સામે આખી ટીમ ફક્ત 16.1 ઓવરમાં 158 રનમાં સમેટાઈ ગઈ. પરિણામે ઇંગ્લેન્ડે 146 રનના વિશાળ અંતરથી જીત મેળવી,
જે T20I ઈતિહાસમાં તેમનો સૌથી મોટો વિજય છે. આ સાથે દક્ષિણ આફ્રિકાને પણ પોતાની સૌથી મોટી હાર સહન કરવી પડી. ફિલ સોલ્ટને તેમની શાનદાર 141 રનની ઇનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. આ જીતે ઈંગ્લેન્ડે સાબિત કરી દીધું કે તેઓ ટૂંકા ફોર્મેટમાં પણ અપરાજેય દાવેદાર છે.