Ashwin Kathi : જૂનાગઢ હત્યા કેસનો વોન્ટેડ આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો, સાધુના વેશમાં છુપાયો હતો

જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર કરમણ કટારાની હત્યાના કેસમાં છ વર્ષથી ફરાર અશ્વિન વલકુ સબાડ (કાઠી)ને સ્ટેટ મોનિટરીંગ સેલે રાજસ્થાનના બિકાનેરમાંથી સાધુ જેવા વેશમાં પકડી લીધો છે. કાઠી જુનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતો હતો અને 2010માં થયેલી હત્યામાં મુખ્ય આરોપી હતો.
ગોળી મારી તેમની હત્યા કરી
તપાસ મુજબ, કરમણ કટારાએ અશ્વિન કાઠીની ડ્રગ્સ અને હથિયારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે પોલીસને માહિતી આપતાં કાઠીએ અદાવત રાખી ગોળી મારી તેમની હત્યા કરી હતી.
29 ફેબ્રુઆરી 2010ના રોજ કાઠીની ધરપકડ થઈ અને તે જૂનાગઢ જેલમાં કેદી તરીકે હતો. જો કે, 18 ઑક્ટોબર 2019ના રોજ હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો.
અલગ-અલગ રાજ્યોમાં છુપાતો રહ્યો
ફરાર થયા બાદ તેણે વાળ-દાઢી વધારી, સાધુ જેવા વેશ ધારણ કરી અને ક્યારેક સરદારજીની પાઘડી બાંધી અલગ-અલગ રાજ્યોમાં છુપાતો રહ્યો હતો.
સ્ટેટ મોનિટરીંગ સેલને તે હાલ બિકાનેરમાં હોવાની માહિતી મળતાં તેને ઝડપી લેવામાં આવ્યો છે. હાલમાં અશ્વિન કાઠીને ગાંધીનગર લાવવામાં આવ્યો છે અને તેને કબ્જે લેવા જૂનાગઢ પોલીસની ટીમ રવાના થઈ છે.