
ભારતીય ક્રિકેટ ટીમના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025 દરમ્યાન પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં ટોસ સમયે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો.
ત્યારબાદ મેચ પૂરી થયા પછી પણ ભારતીય ખેલાડીઓએ પરંપરા મુજબ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા અને સીધા ડ્રેસિંગ રૂમમાં જવા છૂટા થઈ ગયા હતા. આ મુદ્દે વિવાદ ઊભો થતાં સૂર્યાએ પોતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો.
સૂર્યકુમાર યાદવનું નિવેદન
– એક પત્રકારના સવાલ પર સૂર્યાએ કહ્યું કે, “કેટલીક બાબતો રમતની ભાવનાથી પણ ઉપર હોય છે.”
– તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતીય સરકાર અને BCCI બંને આ નિર્ણય પર સહમત હતા.
– મેચ પછીના સમારંભમાં તેમણે કહ્યું કે, “અમે પહલગામના પીડિત પરિવારજનો સાથે છીએ, આ જીત અમારા સશસ્ત્ર દળોને સમર્પિત છે.”
પાકિસ્તાની ટીમની પ્રતિક્રિયા
પાકિસ્તાનના કોચ માઈક હેસન મુજબ, ભારતીય ખેલાડીઓ દ્વારા હાથ મિલાવવાનો ઇનકાર થતા પાકિસ્તાની ખેલાડીઓ નિરાશ થયા હતા. આ કારણે જ કેપ્ટન સલમાન અલી આગા એવોર્ડ સમારોહમાં હાજર રહ્યા ન હતા.
પૃષ્ઠભૂમિ
ગયા અઠવાડિયે દુબઈમાં ટુર્નામેન્ટ પહેલાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યકુમાર સલમાન અલી આગા સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની ટીકા થઈ હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીને શુભેચ્છા પાઠવવા બદલ પણ તેમને વાંધાજનક પ્રતિસાદ મળ્યો હતો. આ ઘટનાએ માત્ર ક્રિકેટના મેદાનમાં નહીં પરંતુ રાજકીય અને સામાજિક સ્તરે પણ ચર્ચા જગાવી છે.