Accident in Surendranagar : લીંબડી-અમદાવાદ હાઈવે પર બે લોકોના મોત, વાહન ચાલક ફરાર

સુરેન્દ્રનગર જિલ્લામાં એક દુર્ઘટનાએ બે વ્યક્તિઓના જીવ લઇ લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, લીંબડી-અમદાવાદ હાઇવે પર પાણશીણા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં એક અજાણ્યા વાહન ચાલકે એક્ટીવા સવારીને અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વ્યક્તિઓએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો.
વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર
અકસ્માત સર્જનાર વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો હતો. અકસ્માતની જાણ થતાં જ લીંબડી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકનાં મૃતદેહોને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જનાર આરોપીને ઝડપવા પ્રયાસો ચાલું
હાલ પોલીસ અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી ચૂકી છે. આસપાસના CCTV ફૂટેજ તેમજ સ્થાનિક લોકોના નિવેદનોના આધારે અકસ્માત સર્જનાર આરોપીને ઝડપવા પ્રયાસો ચાલી રહ્યા છે. આ દુર્ઘટનાથી પાણશીણા તથા આસપાસના વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. વારંવાર હાઇવે પર થતા અકસ્માતોને કારણે સુરક્ષાની માંગ સાથે સ્થાનિક લોકોએ પોલીસ તંત્રને કડક પગલાં લેવા અપીલ કરી છે.