ટૉપ ન્યૂઝમારું ગુજરાત

પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ : સાસરીમાં આવી ઉઠાવી ગયા પિયરિયાં, પછી સામે આવ્યો યુવતીનો ચોંકાવનારો Video

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં દોઢ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર યુવતીના અપહરણના ઘટનાક્રમથી રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. રવિ પટેલ નામના યુવકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેની પત્ની આયુષીનું અપહરણ તેના જ પિયરિયા દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ દહેગામ ખાતેના તેમના ઘરમાં આવીને બળજબરીપૂર્વક તેની પત્નીને ઉઠાવી ગયા છે.

આ બનાવ રવિવારે બપોરે લગભગ 2.30 વાગ્યે બન્યો હતો, જ્યારે યુવતીના મામા સહિત છ લોકો રવિના ઘરે આવી પહોંચ્યા. તેમણે લાકડીઓ સાથે ઘરમાં ઘૂસીને રવિ અને તેના પરિવારજનો પર હુમલો કર્યો હતો અને આયુષીને સફેદ કલરની કિયા ગાડીમાં બળજબરીપૂર્વક લઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેને વીડિયો પણ સામે આવ્યો હતો.

ઉલ્લેખનીય છેકે, આ અંગે દહેગામના 23 વર્ષીય રવિ હિતેન્દ્રકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેણે દોઢ વર્ષ પહેલાં આયુષી નામની યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યા બાદ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન પછી ચાર મહિના સુધી તેઓ બહાર રહ્યાં હતાં અને છેલ્લા બે મહિનાથી દહેગામમાં ઉક્ત મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતાં હતાં.

દહેગામ પોલીસે તાત્કાલિક પગલાં લઈને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, દક્ષ રબારી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો રચવામાં આવી છે.

ઘટનાની ગંભીરતા વચ્ચે આ મામલામાં નવો વળાંક આવ્યો છે, જયારે અપહરણ બાદ યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવતી એવું જણાવે છે કે તેનું કોઈએ અપહરણ નથી કરાવ્યું અને તે પોતાની સ્વેચ્છાએ પિયર ગયા છે. સાથે જ તેણે પતિ રવિ સામે પણ કેટલાક આક્ષેપ કર્યા છે.

પોલીસનું કહેવું છે કે આ વીડિયો ભલે સોશિયલ મીડિયામાં ફરતો હોય, પરંતુ કાયદેસરની કાર્યવાહી માટે પીડિતાની સીધી હાજરી જરૂરી છે. પોલીસ અધિકારી આર.આઈ. દેસાઈએ જણાવ્યું કે, “પીડિતા મળે ત્યારબાદ આગળની કાર્યવાહી કરીશું. હાલ કેસની ગંભીરતા જોઈને ક્રાઈમ બ્રાંચ અને એસઓજી સહિત 8 ટીમોની રચના કરવામાં આવી છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button