ED summons : ગેમિંગ એપ મની લોન્ડરિંગ કેસ: ક્રિકેટર યુવરાજ સિંહ સહિત આ સેલિબ્રિટી EDના રડાર પર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદે ઓનલાઈન સટ્ટાબાજી એપ 1xBet સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ક્રિકેટર અને ફિલ્મ જગતની હસ્તીઓને કાનૂની કાર્યવાહી હેઠળ પૂછપરછ માટે બોલાવ્યા છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાને 22 સપ્ટેમ્બરે અને યુવરાજસિંહને 23 સપ્ટેમ્બરે હાજર થવા સમન્સ પાઠવાયા છે. સાથે જ, લોકપ્રિય અભિનેતા સોનુ સૂદને પણ આ જ કેસમાં તલબી મોકલવામાં આવી છે.
મિમી ચક્રવર્તીનું નિવેદન નોંધાયું
આ પહેલાં પણ અનેક જાણીતા ખેલાડીઓ અને કલાકારોને EDએ બોલાવ્યા હતા. 13 ઓગસ્ટે સુરેશ રૈના અને 4 સપ્ટેમ્બરે શિખર ધવનની પૂછપરછ થઈ ચૂકી છે. તાજેતરમાં ભૂતપૂર્વ TMC સાંસદ અને અભિનેત્રી મિમી ચક્રવર્તીનું નિવેદન નોંધાયું હતું,
જ્યારે બંગાળી અભિનેતા અંકુશ હાજરા પણ એજન્સી સમક્ષ હાજર થયા હતા. આ કેસમાં ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલા હજુ સુધી ઈડીસમક્ષ હાજર થઈ નથી.
1xBet છેલ્લા 18 વર્ષથી વૈશ્વિક સ્તરે માન્યતા
EDએ નોંધ્યું છે કે ગેરકાયદે સટ્ટાબાજી એપ્સ માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી કરતી, પરંતુ તેના માધ્યમથી મોટા પાયે મની લોન્ડરિંગ અને કરચોરી થતી હોવાની શક્યતા છે. લાખો રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના આક્ષેપો પણ ઉઠ્યા છે.
જોકે, કંપની તરફથી દાવો કરવામાં આવ્યો છે કે 1xBet છેલ્લા 18 વર્ષથી વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પ્લેટફોર્મ છે, જ્યાં હજારો રમતગમતની ઈવેન્ટ્સ પર દાવ લગાવવાની સુવિધા ઉપલબ્ધ છે.