Gandhinagar : દહેગામમાં પરિણીતાને પિયરિયાં દ્વારા ઉઠાવી જવાના કેસમાં થયો મોટો ખુલાસો

ગાંધીનગરના દહેગામમાં 14 સપ્ટેમ્બર, 2025ની મોડી રાત્રે એક યુવતીના અપહરણની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. દોઢ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર આ યુવતીનું તેના મામા અને અન્ય લોકો દ્વારા અપહરણ કર્યું હોવાનું તેના પતિએ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ કેસમો મોટો ખુલાસો થયો છે. યુવતી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે. તેણે પોતાના પતિ રવિ અને સાસરિયાઓ પર ત્રાસ આપવા અને બ્લેકમેલ કરવાના આક્ષેપો પણ કર્યા છે.
આયુષી દહેગામ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ
અપહરણની ફરિયાદ નોંધાયા બાદ આયુષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયોમાં તેણે તેણે અપહરણનો ઈન્કાર કર્યો હતો અને પોતે સ્વેચ્છાએ માતા-પિતાના ઘરે આવી હોવાની વાત કરી હતી. તેણે પોતાના પતિ રવિ અને સાસરિયાઓ પર ત્રાસ આપવા અને બ્લેકમેલ કરવાના આક્ષેપો પણ કર્યા.
ત્યારબાદ આયુષી નાટ્યાત્મક રીતે દહેગામ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ અને પોતાનું નિવેદન નોંધાવ્યું. તેણે કહ્યું કે તે તેના પતિ સાથે રહેવા માગતી નથી અને આ અંગે કોર્ટમાં એફિડેવિટ પણ કર્યું છે. તેણે પતિ રવિ પર સુસાઇડ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
ગાંધીનગરના એસપીએ કરી સ્પષ્ટતા
ગાંધીનગરના પોલીસ અધિક્ષક (SP) રવિ તેજા વાસમશેટ્ટીએ આ મામલે સ્પષ્ટતા કરી કે યુવતી પોતાની મરજીથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે અને તેણે પોતાના માતા-પિતા સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. યુવતીના નિવેદનના આધારે, હવે આ કેસમાં કલમ 143, 452 અને 365 હેઠળ અપહરણની કલમ હટાવી દેવામાં આવશે.