Uttarakhandના ચમોલી જિલ્લામાં વાદળ ફાટતાં 5 લોકો ગુમ, NDRF-SDRFની ટીમો પહોંચી

બુધવારે મોડી રાત્રે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વાદળ ફાટ્યાની ઘટનાએ બે ગામો, કુંત્રી અને ધૂર્મામાં ભારે તબાહી મચાવી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકો ગુમ થયાના સમાચાર છે,
જેમાંથી બે લોકોને બચાવદળોએ જીવતા બચાવી લીધા છે, જ્યારે ત્રણની શોધખોળ હજી ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ તબીબી સ્ટાફ સાથે NDRF અને SDRFની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પાંચથી વધુ ઘરોને અસર પહોંચી
પ્રાથમિક માહિતી મુજબ, નગર પંચાયત નંદનગરના કુંત્રી લગાપાલી વિસ્તારમાં ભારે વરસાદ બાદ અચાનક કાટમાળ ધસી પડતાં છ મકાનોને સંપૂર્ણ નુકસાન થયું હતું. આ કુદરતી આફતમાં પાંચ લોકો ગુમ થયા હતા, જેમાંથી બેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
ધૂર્મા ગામમાં પણ વાદળ ફાટ્યાનું અસરકારક નુકસાન થયું હતું જ્યાં પાંચથી વધુ ઘરોને અસર પહોંચી છે. સ્થાનિક તપાસમાં પશુધનના નુકસાનની માહિતી પણ સામે આવી છે.
વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન તાત્કાલિક રાહત કામગીરીમાં સક્રિય થઈ ગયું છે. SDRFની એક ટીમ નંદપ્રયાગ ખાતે પહોંચી ગઈ છે, જ્યારે NDRFની ટુકડી ગોચરથી નંદપ્રયાગ માટે રવાના થઈ ગઈ છે.