Rahul Gandhiઆજે ‘હાઈડ્રોજન બોમ્બ’ ફોડશે: વોટ ચોરીના નવા પુરાવા જાહેર કરવાની જાહેરાત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે (17 સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યે ઈન્દિરા ભવન ઓડિટોરિયમમાં પ્રેસ કોન્ફરન્સ યોજી “હાઈડ્રોજન બોમ્બ”નો ખુલાસો કરશે. અનુમાન છે કે તેઓ ચૂંટણી દરમિયાન થયેલી વોટ ચોરી સંબંધિત નવા પુરાવા જનતા સામે રજૂ કરશે.
પોતાની ‘વોટર અધિકાર યાત્રા’ પૂર્ણ કર્યા બાદ રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે તેમની પાર્ટી ટૂંક સમયમાં “હાઈડ્રોજન બોમ્બ” ફોડશે, જેનાથી વોટ ચોરીની હકીકતો બહાર આવશે. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં તીવ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
સાંસદોએ સંસદ છોડી રસ્તા પર ઉતરીને દેખાવો કર્યા
NCPનાં વડા શરદ પવારે રાહુલના નિવેદનને સમર્થન આપતાં જણાવ્યું કે દેશની નોન-ભાજપ પાર્ટીઓએ પહેલીવાર આ મુદ્દે સંસદની બહાર એકજૂટ થઈ વિરોધ નોંધાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના 300થી વધુ સાંસદોએ સંસદ છોડી રસ્તા પર ઉતરીને દેખાવો કર્યા છે,
જેને અવગણવામાં આવી શકે નહીં. શરદ પવારે સાથે જ આ પણ સ્પષ્ટ કર્યું કે, ચૂંટણી પંચે આ મુદ્દે પોતાના વલણમાં ફેરફાર કરવો જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, “અમે ચર્ચા અને વાતચીતમાંથી ક્યારેય પીછેહટ નથી કરી. લોકશાહી જાળવવા માટે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અનિવાર્ય છે.”