Ahmedabad plane crash ના પીડિતોના પરિવારો દ્વારા બોઇંગ અને હનીવેલ પર USAમાં કેસ

જૂન 2025માં બનેલી એર ઇન્ડિયા ફ્લાઇટ 171ની દુર્ઘટનાએ દુનિયાભરમાં આંચકો ફેલાવ્યો હતો. 260થી વધુ લોકોના મોત સાથે આ ઘટનાએ એવિએશન સુરક્ષા પ્રણાલીઓની ખામીઓને ઉજાગર કરી દીધી. હવે મૃતકોના પરિવારો અમેરિકા સ્થિત વિમાન નિર્માતા બોઇંગ અને પાર્ટ્સ બનાવતી કંપની હનીવેલ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
આ કેસ ફક્ત નાણાકીય વળતર માટે નહીં, પરંતુ કંપનીઓને જવાબદારી નિભાવવાની ફરજિયાતી અનુભૂતિ કરાવવા માટે કરાયો છે. પરિવારોના આક્ષેપ મુજબ, વિમાનના ઇંધણ સ્વીચમાં ડિઝાઇન ખામી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે સ્વીચ ‘રન’માંથી ‘કટ-ઓફ’ પર ખસી જતાં એન્જિનને જરૂરી ઇંધણ ન મળ્યું, જેનાથી થ્રસ્ટ બંધ થઈ ગયો અને વિમાન ધરાશાયી થયું. આમ, ડિઝાઇનની ખામીએ સીધી રીતે દુર્ઘટનાને જન્મ આપ્યો હતો.
એરલાઇન્સને પૂરતી ચેતવણી આપી
ઉલ્લેખનીય છે કે, 2018માં અમેરિકાની FAAએ ઇંધણ સ્વીચના લોકિંગ મિકેનિઝમની તપાસ કરવાની સલાહ આપી હતી, પરંતુ તેને ફરજિયાત બનાવવામાં આવી નહોતી. પરિવારોના જણાવ્યા અનુસાર, બોઇંગ અને હનીવેલે જોખમ જાણ્યા છતાં જરૂરી સુધારાઓ કર્યા નહીં અને ન તો એરલાઇન્સને પૂરતી ચેતવણી આપી.
આક્ષેપ છે કે કંપનીઓએ મુસાફરોની સુરક્ષા કરતાં વ્યવસાયિક લાભને પ્રાથમિકતા આપી. સલામતી માટે કડક પગલાં ભરવાના બદલે માત્ર ઔપચારિક સલાહ આપી દેવાઈ. તેમની આ બેદરકારી હવે કાનૂની પડકાર બની છે.
નિયમનકારી સંસ્થાઓ પર દબાણ
બોઇંગ છેલ્લા કેટલાક વર્ષોથી અનેક વિવાદોમાં ઘેરાયું છે, ખાસ કરીને 737 મેક્સના ક્રેશ બનાવો બાદ. હવે એર ઇન્ડિયાના 787 ડ્રીમલાઇનર ક્રેશે ફરી એકવાર કંપનીની પ્રતિષ્ઠાને આંચકો આપ્યો છે. એ સાથે જ એ ચર્ચા તેજ બની છે કે શું મોટી એરોસ્પેસ કંપનીઓ નિયમનકારી સંસ્થાઓ પર દબાણ કરી પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે?
આ દુર્ઘટનાએ ભારતના એવિએશન સેક્ટરને હચમચાવી દીધો છે. એર ઇન્ડિયા જેવી પ્રતિષ્ઠિત એરલાઇનમાં આવી ખામીઓ જોવા મળતાં મુસાફરોનો વિશ્વાસ ડગમગ્યો છે. આ અકસ્માત અંગેનો આખરી અહેવાલ 2026માં આવશે, પરંતુ ત્યાં સુધી પરિવારોને ન્યાય માટે રાહ જોવી પડશે.