iPhone 17માટે ભારે ઉત્સાહ: નવો ફોન ખરીદવા માટે Apple સ્ટોર્સ બહાર લોકોની ઝપાઝપી

એપલના નવા iPhone 17 સિરીઝ આજે ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થતા જ દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. નવી દિલ્હીથી લઈને મુંબઈ સુધી એપલ સ્ટોર્સની બહાર ચાહકો લાંબી કતારોમાં ઉભા જોવા મળ્યા.
ઘણા ગ્રાહકો રાતથી જ લાઇનમાં ઊભા રહી પોતાના મનપસંદ મોડલ મેળવવાની આતુરતા વ્યક્ત કરતા હતા. દિલ્હીના સાકેત એપલ સ્ટોરની બહાર સવારથી જ ભીડ ઊભી રહી હતી. મોલની બહારથી લઈને સ્ટોરના પ્રવેશદ્વાર સુધી લાંબી લાઇન લાગી હતી, જેમાં યુવા, વરિષ્ઠ અને વિદ્યાર્થીઓ સૌ સામેલ હતા.
ગ્રાહકો વચ્ચે અથડામણ થતા હંગામો સર્જાયો
મુંબઈના BKC જિયો સેન્ટર ખાતે સ્થિતિ વધુ તંગ બની હતી. અહીં લાઇનમાં ઊભેલા કેટલાક ગ્રાહકો વચ્ચે અથડામણ થતા હંગામો સર્જાયો હતો. સ્ટોર સુરક્ષા અને સ્ટાફે તાત્કાલિક મામલો સંભાળી પરિસ્થિતિ કાબૂમાં લીધી. ગ્રાહકોમાં નવા મોડલ માટે ભારે ઉત્સાહ હતો.
એક ગ્રાહકે જણાવ્યું કે, “iPhone 17 Pro Max માં નવો કેમેરા અને અપગ્રેડેડ પ્રોસેસર છે, બેટરી લાઇફ પણ વધારાઈ છે. આ વખતે ખરેખર નોંધપાત્ર અપગ્રેડ છે.” બીજા ગ્રાહકે ઉમેર્યું, “A19 બાયોનિક ચિપ ગેમિંગ અનુભવને વિશેષ બનાવશે. હું ખાસ આ કલર માટે છ મહિના સુધી રાહ જોઈ રહ્યો હતો.”
iPhone Air સૌથી પાતળો iPhone
આ વર્ષે એપલે iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Max અને પ્રથમ iPhone Air સાથે નવા Apple Watch Series 11, Watch Ultra 3, Watch SE 3 અને AirPods Pro 3 પણ રજૂ કર્યા છે.
ખાસ કરીને iPhone Air સૌથી પાતળો iPhone ગણાઈ રહ્યો છે, જેની જાડાઈ ફક્ત 5.6mm છે. વિશેષજ્ઞોના મત મુજબ, આવતા દિવસોમાં પણ દેશભરના એપલ સ્ટોર્સની બહાર એવી જ ભારે ભીડ જોવા મળશે.