Godhra માં પોલીસ સ્ટેશન પર હુમલો, 88 લોકો સામે ફરિયાદ, 17ની ધરપકડ

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં 19 સપ્ટેમ્બરે મોટી ઘટના બની હતી. નવરાત્રિ પૂર્વે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશનમાં બોલાવીને ચેતવણી આપવામાં આવી હતી કે તે કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન મૂકે. જોકે, આ પહેલા બનાવાયેલા ધાર્મિક પોસ્ટર સાથેના એક વિડિયોને કારણે કેટલાક લોકોને ગેરસમજ થઈ કે પોલીસ તેને એ જ મુદ્દે બોલાવી રહી છે. આ ગેરસમજને કારણે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થયું અને પરિસ્થિતિ ઉગ્ર બની.
પોલીસ પર હુમલો અને તોડફોડ
ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકી નંબર 4 પર પથ્થરમારો કર્યો અને પોલીસ સ્ટેશનમાં રહેલી ખુરશીઓ સહિતનો સામાન બહાર ફેંકી દીધો. ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, જેમાં કેટલાક પોલીસકર્મીઓને નાની ઇજાઓ થઈ હતી.
પોલીસની ઝડપી કાર્યવાહી
ઘટના બાદ પંચમહાલ પોલીસ રાત્રે જ તાત્કાલિક એક્શન મોડમાં આવી. SP હરેશ દુધાતે જણાવ્યું કે 88 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને અત્યાર સુધીમાં 17 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. અલગ-અલગ જિલ્લાની 10 ટીમો સર્વેલન્સના આધારે બાકીના આરોપીઓની શોધખોળ કરી રહી છે.