bank official : બેંક ઓફ ઈન્ડિયાના અધિકારી હિતેશ સિંગલાની ₹16 કરોડના કૌભાંડમાં ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે ગુજરાત અને મધ્યપ્રદેશમાં 13 કલાકથી વધુ સમય સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ બેંક ઓફ ઈન્ડિયા (BOI)ના બરતરફ કરાયેલા અધિકારી હિતેશ સિંગલાની ધરપકડ કરી છે. સિંગલા પર 127 ખાતાઓમાંથી કુલ 16.10 કરોડ રૂપિયાની ગેરરીતિ કરીને છેતરપિંડી કરવાનો આક્ષેપ છે.
માહિતી મુજબ, સિંગલાએ વરિષ્ઠ નાગરિકો, સગીરો, મૃતક ગ્રાહકો અને લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા ખાતાઓને નિશાન બનાવીને ગેરકાયદેસર રીતે ફંડ્સ ટ્રાન્સફર કર્યા હતા. તે બે વર્ષથી વધુ સમય સુધી આ કૌભાંડ ચલાવતો રહ્યો હતો.
EDની કસ્ટડીમાં મોકલવાનો આદેશ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છેતરપિંડીનો પર્દાફાશ થયા બાદ સિંગલા ફરાર થઈ ગયો હતો. EDની ટીમે ઉજ્જૈન-વેરાવળ ટ્રેનને અમદાવાદ નજીક રોકાવીને તેને કસ્ટડીમાં લીધો હતો. બાદમાં સિંગલાને મુંબઈની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો,
જ્યાંથી તેને EDની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સિંગલાએ BOIની આંતરિક સિસ્ટમમાં ફેરફાર કરીને કોઈ મંજૂરી વિના ફિક્સ્ડ ડિપોઝિટ (FD), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને અન્ય ખાતાઓ બંધ કરીને નાણાં ગેરવહેચા કર્યા હતા.
ED દ્વારા હવે આ ફ્રોડ સાથે જોડાયેલા અન્ય સંભવિત સહયોગીઓ અને નાણાંના ટ્રેલની તપાસ શરૂ કરવામાં આવી છે.