Gujarat new talukas : રાજ્યને મળશે 15-17 નવા તાલુકા, કેબિનેટની બેઠકમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા!

ગુજરાત રાજ્યમાં ટૂંક સમયમાં વધુ તાલુકાઓનું સર્જન થઈ શકે છે. રાજ્યના 33 જિલ્લાઓમાં અંદાજે 15 થી 17 નવા તાલુકા ઉમેરાવાની શક્યતા છે.
આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ નવા તાલુકાને સિદ્ધાંતતઃ મંજૂરી મળી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવે તેવી ધારણા છે. જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થવાની શક્યતા છે.
તહેવારો દરમ્યાન સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા
આજની કેબિનેટ બેઠકમાં નવા તાલુકા અંગે ચર્ચા બાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આ સાથે જ ઉત્તર ગુજરાતમાં વરસાદથી થયેલ નુકસાનીની સમીક્ષા પણ થશે. રાજ્યમાં વરસાદ પ્રભાવિત વિસ્તારો અંગે વિસ્તૃત ચર્ચા થવાની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં તહેવારો દરમ્યાન સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા થશે. ઉપરાંત, સરકારના નીતિગત કાર્યક્રમો, પુરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણ તથા સ્વદેશી ચીજોની ખરીદી અંગે પણ વિચારણા થવાની છે. તહેવારોના સમયમાં પુરતા પુરવઠા જળવાઈ રહે તે મુદ્દા પર ખાસ ધ્યાન આપવામાં આવશે.