Ahmedabad : પતિએ પત્ની અને સાસુ પર જ્વલનશીલ પદાર્થ છાંટીને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુ પર હિંસક હુમલો કર્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આઝાદ મેદાન પાસે પારિવારિક કલહને પગલે થયેલા ઝઘડામાં પતિએ પોતાની પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટી જીવતી સળગાવી દીધી હતી. આ હુમલામાં પત્ની ગંભીર રીતે દાઝી ગઈ છે.
જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવવાનો પ્રયાસ
પત્નીને બચાવવા દોડી આવેલી તેની માતા પર પણ આરોપીએ એ જ રીતે જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તે પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ભેગા થયા હતા અને તરત જ બન્ને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી
હાલ બન્નેની સ્થિતિ ગંભીર હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. સરદારનગર પોલીસે કેસ નોંધ્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સામાન્ય કુટુંબ ઝઘડો હિંસક સ્વરૂપ ધારણ કરતા મહિલાઓની જીંદગી જોખમમાં મુકાઈ છે, જેના પગલે મહિલાઓની સુરક્ષા અંગે ચિંતાઓ વધુ તીવ્ર બની છે.