Operation : યુપીમાં ગુનેગારો સામે યોગી સરકારની કડક કાર્યવાહી: 48 કલાકમાં 20 એનકાઉન્ટર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ બાદ રાજ્ય પોલીસે વિશાળ અભિયાન હાથ ધર્યું છે. છેલ્લા 48 કલાકમાં સમગ્ર યુપીમાં ગુનેગારો સામે સતત એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી ‘ઓપરેશન લંગડા’ અને ‘ઓપરેશન ખલ્લાસ’ તરીકે ઓળખાય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પગલાનો હેતુ રાજ્યમાં ગુનાખોરીને કાબુમાં લેવા અને ગુનેગારો પર કડક નિયંત્રણ સ્થાપિત કરવાનો છે. મેરઠથી લઈ મુઝ્ઝફરનગર સુધી અનેક જિલ્લાઓમાં પોલીસે ગુનેગારોને ઘેરીને પકડી પાડ્યા છે.
શું છે ઓપરેશન લંગડા અને ખલ્લાસ
યોગી સરકારે રાજ્યભરમાં બે અલગ પ્રકારના ઓપરેશન શરૂ કર્યા છે. ‘ઓપરેશન લંગડા’ હેઠળ ગુનેગારોના પગમાં ગોળી મારીને તેમને અશક્ત બનાવી ધરપકડ કરવામાં આવે છે, જ્યારે ‘ઓપરેશન ખલ્લાસ’નો અર્થ છે સૌથી ખતરનાક ગુનેગારોને ઠાર કરવાના પ્રયાસો. યોગી આદિત્યનાથનો સંદેશ સ્પષ્ટ છે “ગુનાનો અંત એનકાઉન્ટરથી જ થશે.”
48 કલાકમાં 20 એનકાઉન્ટર
પોલીસે 48 કલાકમાં 20 જેટલા એનકાઉન્ટર કર્યા છે. ફર્રુખાબાદથી ફિરોઝાબાદ, ઝાંસીથી બુલંદશહેર અને લખનૌથી ગાઝિયાબાદ સુધી સતત કાર્યવાહી ચાલી રહી છે.
ફિરોઝાબાદ અને મુઝ્ઝફરનગરમાં અથડામણ
ફિરોઝાબાદમાં બે કરોડની લૂંટ કરનાર નરેશને પકડવા ગયેલી ટીમ પર તેણે ગોળીબાર કર્યો હતો. પોલીસની ગોળી વાગતા તે ઘાયલ થયો અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો. મુઝ્ઝફરનગરમાં ઈનામી ગુનેગાર ઈમરાન અને મેહતાબને પણ પોલીસે ઠાર કર્યા. બંને પર લૂંટ અને હત્યાના અનેક કેસ નોંધાયેલા હતા.
લંગડા ઓપરેશન હેઠળની કાર્યવાહી
લખનૌ, ગાઝિયાબાદ, શામલી અને ઝાંસીમાં પણ અનેક આરોપીઓના પગમાં ગોળી મારી ધરપકડ કરવામાં આવી છે. મેરઠમાં વાયરલ થયેલા કપડાના વેપારી કેસના આરોપી જુલકમરને પણ પગમાં ગોળી વાગી હતી.
8 વર્ષમાં 14,000થી વધુ અથડામણ
2017થી અત્યાર સુધી યુપી પોલીસે 14,973 અથડામણ કરી છે. તેમાં 239 ગુનેગારો ઠાર થયા, 9,467 ઈજાગ્રસ્ત થયા અને 30,000થી વધુની ધરપકડ થઈ. સૌથી વધુ એનકાઉન્ટર મેરઠ ઝોનમાં નોંધાયા છે.